સુરતમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકીત થાય તેવું ધૃણાસ્પદ કૃત્ય આચરનાર પિતાને જીવે ત્યાં સુધી કેદ
Surat POCSO court Judgement : મે-2024 દરમિયાન ડીંડોલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીર પુત્રી પર બળજબરીથી ધાકધમકી આપીને એકથી વધુ વાર બળાત્કાર ગુજારી પોક્સો એક્ટનો ભંગ કરનાર મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા 35 વર્ષીય આરોપી પિતાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે તમામ ગુનામાં દોષી ઠેરવી જીવે ત્યાં સુધી આજીવન કેદ,રૂ.20 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. 7 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
આરોપીએ પિતા-પુત્રીના સંબંધોને કલંકીત થાય તેવું ધૃણાસ્પદ કૃત્ય આચર્યુ હોઈ ગુનાને હળવાશથી ન લઈ શકાય : કોર્ટ
ડીંડોલી પોલીસ મથકની હદમાં રહેતી 14 વર્ષ 23 દિવસની વયની સગીર પુત્રીની ફરિયાદી માતાએ ગઈ તા.17-5-24ના રોજ ઉત્તરપ્રદેશના વતની એવા પોતાના આરોપી પતિ વિરુદ્ધ સગીર પુત્રીને ધાકધમકી આપીને એકથી વધુવાર બળાત્કાર ગુજારીને પોક્સો એક્ટના ભંગ બદલ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી ડીંડોલી પોલીસે આરોપી પિતાની ઈપીકો-376, 376 (2)( એફ), 376 (2) (જે), 376 (2) (એન), 376 (3), 506(2) તથા પોક્સો એકટની કલમ-4,5(એલ)5(એન) અને 6ના ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
હાલમાં જેલવાસ ભોગવતા આરોપી પિતા વિરુદ્ધ નિયત સમયમાં ચાર્જશીટ રજુ થયા બાદ તહોમત નામું મુકાયા બાદ કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે પોતાની પત્ની તથા ભોગ બનનારને અન્ય સાથે પ્રેમસંબંધ હોઈ આ બાબતે ઠપકો આપતા હાલમાં ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો. ફરિયાદી માતાએ ખુદ પોતાની જુબાનીમાં પોતાની દીકરીને ખોટું બોલવાની આદત હોવાનું કબુલ્યું છે.
આ પણ વાંચો: રાજકોટની પોક્સો કોર્ટે દીકરીની લાજ લૂંટનારા હેવાન પિતાને ફટકારી આજીવન કેદની સજા
આરોપીએ પોતાની મેડીકલ હીસ્ટ્રીમાં પણ પોતાની પુત્રીને યુવક સાથે પ્રેમસંબંધ હોઈ ઠપકો આપતા હાલની ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતુ.જો કે બચાવપક્ષે તેના સમર્થનમાં કોઈ ઠોસ પુરાવો રજુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.બચાવપક્ષે ફરિયાદી તથા ભોગ બનનારને ઉલટ તપાસમાં પણ આવી કોઈ હકીકત બહાર લાવી શક્યા નહોતા.
જ્યારે સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે ફરિયાદી માતા,ભોગ બનનાર સગીર બે તબીબ પંચ સાક્ષીઓ સહિત 9 સાક્ષી તથા 32 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. ફરિયાદપક્ષે ભોગ બનનાર સગીરા,ફરિયાદી માતા, તબીબ સાક્ષીની જુબાનીથી ફરિયાદપક્ષના કેસની હકીકતને સમર્થન મળતું હોઈ આરોપીને મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા માંગ કરી હતી.
જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી આરોપી પિતાને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત આજીવનકેદ,દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ પિતા પુત્રીના સંબંધોને કલંકીત થાય તેવુ હીન કૃત્ય આચરી સંબંધો પર કાળો ડાઘ લગાડ્યો છે.આરોપીએ નૈતિક અધઃપતનનું કૃત્ય આચર્યું હોઈ હોઈ ગંભીર ગુનાને હળવાશથી લઈ શકાય નહીં.