Get The App

મહીસાગરમાં મામલતદારે માનવતા નેવે મૂકી, જાતિના દાખલા માટે ધક્કા ખવડાવતા દીકરીના પિતાએ જીવન ટૂંકાવ્યું

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
મહીસાગરમાં મામલતદારે માનવતા નેવે મૂકી, જાતિના દાખલા માટે ધક્કા ખવડાવતા દીકરીના પિતાએ જીવન ટૂંકાવ્યું 1 - image
Meta AI Image

Post Office Job : મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રણકપુર ગામની યુવતીને પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી. આ માટે તેને જાતિના (એસ.સી.-એસ.ટી.)ના દાખલાની જરૂર હતી. કેન્દ્ર સરકારની નોકરી હોવાથી અંગ્રેજીમાં દાખલો માગવામાં આવ્યો હતો. આ દાખલો લેવા માટે યુવતીના પિતા મામલતદાર કચેરીમાં છેલ્લા 25 દિવસથી ધક્કા ખાતા હતા પરંતુ દાખલો નહી મળતા દીકરીને નોકરી જતી રહેશે તેવી ચિંતામાં આપઘાત કરી લીધો છે.

તમામ પૂરાવા રજૂ કર્યા છતાં કડાણા મામલતદારે દાખલો કાઢી ના આપ્યો

મૃતક ઉદાભાઇ ડામોરના પરિવારજનોના આક્ષેપો મુજબ ઉદાભાઈની દીકરી દ્રુવિશાને વાવના થરાદ ખાતે કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી. દ્રુવિશા એસ.ટી. (સિડ્યુલ ટ્રાઇબ) હોવાથી પોસ્ટ વિભાગમાં જાતિનો દાખલો રજૂ કરવાનો હતો પરંતુ દ્રુવિશાનો દાખલો ગુજરાતીમાં હતો જ્યારે પોસ્ટ વિભાગે અંગ્રેજી દાખલાની માગ કરીને 10 દિવસમાં દાખલો જમા કરાવવા માટે સૂચના આપી હતી.

આ વાત દ્રુવિશાએ તેના પિતા ઉદાભાઈ ડામોરને કહી હતી જેથી ઉદાભાઈ કડાણા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં અંગ્રેજીનો દાખલો લેવા માટે ગયા હતા. અહી તેને રોજ અલગ અલગ કારણોથી પાછા મોકલવામાં આવતા હતા. સતત 20 દિવસ સુધી ધરમ ધક્કા ખાઇને ઉદાભાઇ થાક્યા હતા. પરિવારનું પેઢીનામું, પિતા, દાદા તથા પરિવારના અન્ય લોકોના એસ.ટી.દાખલા સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા તેમ છતાં મામલતદાર કચેરીના અધિકારીઓ અવનવા પુરાવા માંગીને હેરાન કરતા હતા.પોસ્ટ વિભાગની 10 દિવસની મુદ્દત પુરી થઇ ગઇ હતી એટલે દીકરીની નોકરી જતી રહેશે તેવા વિચારો સાથે ઉદાભાઇ ચિંતામાં રહેતા હતા. મામલતદાર માટે બે મિનિટનું કામ હતુ તે કામ માટે 25 દિવસ થયા છતા દાખલો મળ્યો નહતો. 

જરૂરી કાગળોને બદલે બીજા જ પુરાવા રજૂ કરતા હતા : નાયબ મામલતદાર

આ મામલે નાયબ મામલતદાર સુરેશ સંગાડા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે ‘આ ભાઇ ઉદાભાઈ દાખલા માટે આવ્યા હતા અમે એમને જરૂરી કાગળો લાવવા જણાવ્યા હતા પરંતુ તેઓ બીજાં જ પુરાવા રજૂ કરાતાં હતાં દાખલા માટે જે કાગળો જોઈએ તે હજી રજુ કર્યા નથી અમે પણ આ ઘટનાનું દુઃખ છે’

પરિવારજનોએ મૃતદેહનો કર્યો સ્વિકાર

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામમાં ઉદાભાઇ ડામોરના આપઘાતના બનાવમાં ઉદાભાઇએ અંતિમ ચિઠ્ઠીમાં પોતાના આપઘાત માટે મામલતદાર અને નાયબ મામલતદાર જવાબદાર હોવાનું લખ્યુ હતું. કડાણા મામલતદાર દ્વારા દાખલ માટે વારંવાર ધક્કા ખવડાવતા હતાં હુ માનસિક રીતે હારી ગયો એવું ચિઠ્ઠીમાં લખ્યું હતું તેમછતાં પોલીસ મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ દાખલ કરતી નહી હોવાથી હોબાળો મચી ગયો હતો અને પરિવારજનોએ ઉદાભાઇની મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ ત્યારબાદ આજે મામલો થાળે પડતાં આખરે પરિવારજનો મૃતદેહ સ્વિકાર્યો છે. 


Google NewsGoogle News