જામનગરના ઉદ્યોગકાર પિતા-પુત્રને નડ્યો અકસ્માત : ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ, પુત્રને ઇજા
Jamnagar Accident : જામનગરના ઉદ્યોગકાર પિતા પુત્ર રાજકોટ થી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ધ્રોળ નજીક ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત નડ્યો હતો, અને 65 વર્ષના બુજુર્ગનું સારવારમાં મૃત્યુ નીપજયું છે, જ્યારે પુત્રને સામાન્ય ઇજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને લેથ મશીન ટુલ્સ સહિતના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા માધવભાઈ ભુપેન્દ્રભાઈ બકરાણીયા તેમજ તેના પિતા ભુપેન્દ્રભાઈ તુલસીભાઈ બકરાણીયા (ઉ.વ. 65) કે જે પોતાના કામ સબબ ગત 26મી તારીખે જામનગર થી રાજકોટ ગયા હતા અને બપોરે બે વાગ્યાના અરસામાં રાજકોટ થી જામનગર પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન ધ્રોળ નજીક આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ તેઓની કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
તે અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ બકરાણીયાને ગંભીર ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં જ્યારે વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે અકસ્માત મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.