રૂ. 3.50 કરોડ પડાવી લેનાર એક વર્ષથી વોન્ટેડ પિતા-પુત્ર રાજકોટથી ઝડપાયા
વિદેશમાં નોકરીની લાલચ આપી 35 થી વધુ લોકો સાથે ઠગાઈ કરનારને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી
ભરૂચ, : ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને લોકોને વિદેશમાં નોકરી, વિઝા અપાવવાની લાલચ આપી, ખોટા લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી રૂ. 3.50 કરોડથી વધુની છેતરપિંડી કરનાર મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓને જિલ્લા એલસીબી પોલીસે રાજકોટથી ઝડપી પાડયા હતાં.
દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામની કન્સલ્ટિંગ ઓફિસના સંચાલકો ભાવિન પંકજભાઈ પરમાર અને તેના પાલક પિતા ગુણવંત નગીનભાઈ કવૈયા (મૂળ રહે. ઝાડેશ્વર રોડ) દ્વારા વિદેશમાં નોકરી અપાવવાની તેમજ રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી 35જેટલી વ્યક્તિઓ પાસેથી રૂ. 3.50 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ હતી. આ ગુનામાં બંને બાપ-બેટા છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતા. જે બંને રાજકોટ શહેરમાં હોવાની બાતમી મળતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી બંનેને રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી લઈ તેમને ભરૂચ લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.