ગુજરાતની આ બેઠક પર જોવા મળશે રસપ્રદ મુકાબલો : ચૂંટણી મેદાનમાં સામસામે પિતા V/s પૂત્ર
BTPના સ્થાપક છોટુ વસાવા ઝગડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે
પુત્ર મહેશ વસાવાએ 2017માં નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિધાનસભા ચૂંટણી જીતી હતી
અમદાવાદ,તા.16 નવેમ્બર-2022, બુધવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક બેઠક ઘણી ચર્ચાસ્પદ બની છે. જોકે ચૂંટણીને લઈને ઘણી એવી પણ સીટો હોય છે, જેના પર પરિવારના સભ્યો જ આમનો-સામને હોય છે. તો આ વખતની ચૂંટણીમાં રાજ્યની ભરૂચ જિલ્લાની ઝઘડિયા (ST) બેઠક હાલ ચર્ચાએ ચઢી છે. ચૂંટણીમાં ઝઘડિયા બેઠકમાં પર પિતા અને પૂત્ર સામ-સામે જંગે ચઢશે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તો તેમનો પુત્ર મહેશ પણ આ જ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે.
ચૂંટણીમાં પુત્રને પડકારશે ચૂંટણીમાં
ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ બેઠક પરથી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. પરંતુ તેમ છતાં પિતાએ પણ પુત્રને લડત આપવા માટે અહીંથી ઉમેદવારી નોંધાવી છે.
ભાજપ સાથે હરીફાઈ કરનાર કોઈ નથી : છોટુ વસાવા
આ બાબતે છોટુ વસાવાએ કહ્યું હતું કે સત્તાધારી ભાજપને ટક્કર આપવા માટે બીજું કોઈ ન હોવાથી તેમણે ચૂંટણી લડવી પડશે. જો કે, તેમના પુત્રના ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું કે એક પરિવારના સભ્યો ચાર બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપ ન તો દેશમાં જીતવાનું છે અને ન ગુજરાતમાં. હું જીતને લઈને ઘણો આશાવાદી છું.
પિતા દ્વારા ચૂંટણી લડવા અંગે મહેશ વસાવાએ કહી મહત્વની વાત
BTP પ્રમુખ મહેશ વસાવાએ ઝગડિયામાંથી ઉમેદવારી નોંધાવવાની પુષ્ટિ કરી છે. તેમણે વર્ષ 2017માં નર્મદા જિલ્લાના દેડિયાપાડા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. આ ચૂંટણી દરમિયાન પક્ષમાંથી પિતા-પુત્રની જોડી માત્ર બે જ વિજેતા હતી. મહેશ વસાવાએ કહ્યું કે મેં બીટીપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું કહી શકું છું કે અમે ઘણી બેઠકો જીતીશું. આગામી ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે. જ્યારે તેમના પિતા સામે ઊભા રહેવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે દરેકને ઉમેદવારી પત્ર ભરવાનો અધિકાર છે.