લાલપુરના પીપળી ગામમાં અનુસૂચિત જ્ઞાતિના પિતા-પુત્ર પર લીઝની જમીનમાંથી રેતી કાઢવાના પ્રશ્નો હુમલો કરી હડધૂત કરાયા : બે સામે ફરિયાદ
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં લીઝની જમીનમાંથી રેતી કાઢવાના પ્રશ્ને અનુસૂચિત જ્ઞાતિના પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા અંગે હડધૂત કરવા અંગેની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા ધીરજભાઈ ચનાભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાને પોતાને તેમજ પોતાના પિતા ચનાભાઈને માર મારી પતાવી દેવાની ધમકી આપવા અંગે તેમજ પોતાને હડધૂત કરવા અંગે પીપળી ગામમાં રહેતા પ્રફુલ પૂજાભાઈ ભરવાડ તેમજ જગદીશ વાલાભાઈ ઝાપડા સામે લાલપુરમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દ્વારા જે લીઝની જમીનની માંગણી કરવામાં આવેલી છે, તે જમીનમાંથી બંને આરોપીઓ મજૂરોને બોલાવીને રેતી ઉપાડતા હોવાથી તેઓને રેતી ઉપાડવાની ના પાડતાં બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને હુમલો કરી દીધો હતો.
આ ઉપરાંત મોબાઇલ ફોનમાં વોટ્સએપ કોલ કરીને ધમકી આપી હોવાથી મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો. લાલપુરના મહિલા એ.એસ.પી. એ એસ્ટ્રોસિટી એકટ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.