કાજાવદર ગામે પિતા-પુત્ર પર 5 સંબંધીનો તિક્ષ્ણ હથિયારો વડે હુમલો
- બન્ને પક્ષે સાસામે લગ્ન કરાયા હતા, બન્ને રિસામણે હોવાની તકરાર કારણભૂત
- પત્ની રીસામણે હોવાની દાઝમાં કરાયેલાં હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલાં પિતા-પુત્રને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા
બનાવની વિગત એવી છે કે, સિહોર તાલુકાના સખવદર ગામમાં રહેતા અને રામપરા મેલડી માતાજીના મંદિર પાસે દુકાન ધરાવતા કાળુભાઈ અરજણભાઈ ચાવડાના નાનાભાઈ કાનાભાઇના લગ્ન ગામમાં રહેતા રાધિકાબેન વશરામભાઇ કોતર સાથે થયા હતા.અને કાળુભાઈના મોટા બહેન માયાબેનના લગ્ન કાનાભાઇના મામાજી રણજીતભાઇ વશરામભાઇ કુવાડીયા સાથે થયા હતા.કાનાભાઈને તેમના પત્ની સાથે મનમેળ ન હોય છેલ્લા પાંચ માસથી તેમના પિતાના ઘરે હતા,સામસામે લગ્ન કરેલ હોવાથી માયાબેન પણ દોઢ મહિનાથી રીસામણે હતા.આ બાબતને લઈને ગત સોમવાર બપોરના સમયે કાળુભાઈ તેમની દુકાને હાજર હતા. તે દરમિયાન તેમના નાનાભાઈના સાળા નિલેશ બાલાભાઈ કોતર અને ચેતનબાલાભાઈ કોતર બાઈક ઉપર આવ્યા હતા. અને તારા ભાઈને મારા સગા ફોન કરે છે તો સરખો જવાબ કેમ નથી આપતો ? અને મારી બેનને કેમ હેરાન કરે છે તેમ કહી નિલેશે કુહાડીનો એક ઘા ઝીંકી દઈ કાળુભાઈને લોહીયાળ ઇજા પહોંચાડી હતી, દરમિયાન કાનાભાઈના કુટુંબી સાળા કિશોર વાલાભાઈ કોતર, વિનોદ વાલાભાઈ કોતર અને નિકુલ શેખાભાઈ કોતર ( રહે. ત્રણેય ભોળાદ, સિહોર )બાઈક ઉપર આવ્યા હતા અને ઝઘડો કરવા લાગતા કાળુભાઈના પિતા અરજણભાઈ અને નાનાભાઈ કાનાભાઈ વચ્ચે પડતા શખ્સોએ તેમના ઉપર પણ તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. દરમિયાન લોકો ભેગા થઈ જતા આ તમામ શખ્સ ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત કાળુભાઈ અને તેમના પિતા અરજણભાઈને સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે, બનાવ અંગે કાળુભાઈ અરજણભાઈ ચાવડાએ નિલેશ બાલાભાઈ કોતર, ચેતન બાલાભાઈ કોતર ( રહે. સખવદર તા. સિહોર ) કિશોર વાલાભાઈ કોતર, વિનોદ વાલાભાઈ કોતર અને નિકુલ શેફાભાઈ કોતર ( રહે. ભોળાદ, તા.શિહોર ) વિરુદ્ધ માર મારી લોહિયાળ ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.