ચોટીલા હાઇવે પરની આકાશ પેલેસ હોટલમાં પિતા-પુત્ર પર હુમલો
- મુંછો પર તાવ નહીં દેવા મુદ્દે બોલાચાલી કરી માર માર્યો
- હોટલના માલિક સહિતના લોકોેએ મારી નાખવાની ધમકી આપતા આઠ સામે ગુનો
સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવેની બાજુમાં આવેલ એક હોટલના માલિક અને સ્ટાફ સહિતના શખ્સોએ રાજસ્થાનના એક શખ્સને મુંછો પર તાવ દેવા બાબતે બોલાચાલી કરી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે હોટલ માલિક સહિત સાતથી આઠ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
રાજસ્થાન ખાતે રહેતા ફરિયાદી કિશન તિવારી પ્રકાશલાલ શર્મા અને તેમના પિતા પ્રકાશલાલ શર્મા ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. ચોટીલા હાઈવેની બાજુમાં આવેલ આકાશ પેલેસ હોટલ ખાતે રાત્રીના સમયે ભાડેથી રહેવા માટે ત્યાં પુછપરછ માટે ગયા હતા આથી હોટલના સ્ટાફે ત્રીજા માળે રૂમ બતાવવા ફરિયાદીને લઈ ગયા હતા અને ત્યારબાદ ફરિયાદી તેમના પિતાને રૂમમાં મુકી નીચે લગેજ લેવા આવ્યા ત્યારે કાઉન્ટર બેસેલા હોટલના માલિકે ફરિયાદીને મુંછો નીચે કરી મુંછો પર તાવ નહિં દેવાનું જણાવ્યું હતું.
હોટલ માલિકની વાત સાંભળી ફરિયાદીએ આ હોટલમાં રૂમ નથી રાખવી તેમ જણાવી તેમના પિતાને નીચે લઈ આવ્યા હતા. આથી હોટલ માલિકે ફરિયાદી તેમજ પિતા સાથે બોલાચાલી કરી રોષમાં આવી છુટ્ટા હાથે મારામારી કરી હતી અને ત્યારબાદ હોટલ માલિકનો દિકરી અને સ્ટાફના અંદાજે ૭થી ૮ વ્યક્તિઓ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ હોટલના માલિક અજયકુુમાર, તેમનો દિકરો નિકુંજ અને હોટલના સ્ટાફના અજાણ્યા ૭થી ૮ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.