થાનમાં યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો, સાત સામે ફરિયાદ
- અપશબ્દો બોલાવાની ના પાડતા મામલ બિચક્યો
- યુવકને તલાવર, લોખંડના પાઇપ મારતા ઇજાગ્રસ્ત, સારવાર માટે રાજકોટ ખસેડાયો
સુરેન્દ્રનગર : થાનમાં સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ૭ શખ્સોએ યુવાનને માર મારી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ થાન અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવાને ૭ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા થાન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથધરી છે.
થાન હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કેતનભાઈ ઉર્ફે મસો મનસુખભાઈ રાઠોડ થાન નજીક આવેલી હોટલ ખાતે જમવા ગયા હતા. જમીને મીત્ર સાથે વાતો કરી રહ્યા હતાં તે દરમિયાન આકાશભાઈ ગીરીશભાઈ પરમાર ઉશ્કેરાઈને કેતનભાઈને ગાળો દેવા લાગ્યા હતા. આથી કેતનભાઈએ ગાળો બોલવાની ના પાડતા આકાશભાઈ ગીરીશભાઈ પરમાર, પ્રતીકભાઈ સુખાભાઈ, અક્ષયભાઈ સુખાભાઈ પરમાર, રવિભાઈ ઉર્ફે ભલો પોપટભાઈ પરમાર, જયદીપભાઈ ઉર્ફે જગો જગજીવનભાઈ મકવાણા, દિલીપભાઈ સુખાભાઈ પરમાર અને ગીરીશભાઈ ભગુભાઈ પરમાર સહિતનાઓએ બોલાચાલી કરી ઝઘડો કરી તલવાર, લોખંડના પાઈપ, તથા લાકડી સહિતના હથિયારો વડે હુમલો કરી કેતનભાઈને ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત કેતનભાઈને સારવાર માટે પ્રથમ થાન સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત કેતનભાઈ રાઠોડે સાત શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા થાન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.