Get The App

લાઠી નજીક સ્પિનિંગ મિલમાં શ્રમિક પર જીવલેણ હુમલો

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
લાઠી નજીક સ્પિનિંગ મિલમાં શ્રમિક પર જીવલેણ હુમલો 1 - image


બે મજૂરો વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ

મોબાઇલ ફોનમાં ધ્યાન હોવાથી સામેથી આવતા બિહારી શ્રમિક સાથે અથડાતા છરી કાઢીને આડેધડ ઘા ઝીંકી દીધા

અમરેલી :  લાઠી તાલુકાના માલવિયા પીપરીયા ગામ નજીક આવેલ રામકૃષ્ણ સ્પિનિંગ મિલમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ એક શ્રમિક પર અન્ય મજૂરે છરી વડે આડેધડ હુમલો કરતાં ગંભીર ઇજા થઇ હતી અને ૨૦ ટાંકાઓ આવ્યા હતા. જેને લઇને લાઠી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે લાઠી તાલુકાના માલવિયા પીપરીયા ગામના પાટીયા નજીક આવેલ રામકૃષ્ણ સ્પિનિંગ મિલમાં બે પરપ્રાંતિય મજૂરો વચ્ચે સામાન્ય બાબતે થયેલ ઝઘડાએ ઉગ્ર રૃપ લીધું હતું. જેમાં ઝારખંડનો રહેવાસી સજાદ નાજીરમીયા અંસારી (ઉ.વ.૨૦) મજૂર કોલોનીની બાજુમાં આવેલ બાથરૃમમાંથી હાથ-પગ ધોઇને બહાર આવતો હતો. અને તેનું ધ્યાન ફોનમાં હોવાને કારણે સામેથી આવતા અન્ય મજૂર વિનોદકુમાર (રહે. મૂળ બિહાર) સાથે ભટકાતા ગાળો આપી હતી. ત્યારબાદ કોલોનીમાં યુવકનું આઇકાર્ડ લેવા ગયેલ તે વખતે વિનોદકુમારે આવી યુવકને છરી જેવા હથિયારથી માથામાં ડાબી, જમણી બાજુ તેમજ નાક, ગાલ, પીઠ સહિતનાં શરીરના ભાગે આડેધડ મારતા ૨૦ ટાંકાઓ આવ્યા હતાં. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઇને લાઠી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News