એક જ સમાજના વ્યક્તિઓ વચ્ચે અંગત અદાવતમાં શાકભાજી વિક્રેતાના પુત્ર પર જીવલેણ હુમલો : ત્રણની અટકાયત
Vadodara Crime : વડોદરાના ગોરવા પંચવટી કેનાલ પાસે આજે એક જ સમાજના બે જૂથ વચ્ચે હુમલાના કિસ્સામાં ત્રણ વ્યક્તિઓ દ્વારા શાકભાજીના વેપારીના પુત્ર પર હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ એફએસએલની મદદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી ત્રણ હુમલાખોરની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગોરવા પંચવટી કેનાલ સોફિયા સ્કૂલની બાજુની ખુલ્લી જમીન પર આજે સવારે એક જ સમાજના બે ગ્રુપ વચ્ચે અંગત અદાવતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં શાકભાજીનો ધંધો કરતા વિક્રેતા સુનિલગિરીના પુત્ર કિશનગીરી પર સામાવાળા દિનેશ ગીરી રમાકાંતગીરી, અર્જુનગીરી ગોવિંદ ગીરી અને મંગલરામ યાદવએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. કિશન ગીરીને માથા અને શરીરના ભાગે ઈજા પહોંચી હતી તેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બનાવ સ્થળ પર પહોંચી જઈ એફએસએલની મદદથી કરી સઘન તપાસ શરૂ કરી હતી. જવાહર નગર પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરી આરોપી દિનેશ ગીરી રમાકાંતગીરી, અર્જુનગીરી ગોવિંદ ગીરી અને મંગલરામ યાદવની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેવ પકડાયેલા હુમલાખોરોએ કયા કારણથી હુમલો કર્યો છે તેની તપાસ શરૂ કરી હતી.