Get The App

નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગોઝારો અકસ્માત : ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગોઝારો અકસ્માત : ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત 1 - image


Navsari Accident : નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર કોલસાણા ગામના પાટિયા પાસે ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ દોડતી બાઈક કોલસાણા ગામના બસ સ્ટેન્ડમાં ભટકાતા ત્રીપલ સીટ બાઈક સવાર નવસારીના જલાલપોરમાં રહેતા ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે લોહી લુહાણ હાલતમાં અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા. મૃતક ત્રણેય યુવાનો નવસારીના જલાલપોરથી સુરતના ઉધના ખાતે રહેતા ઠેકેદારને મળવા માટે જઈ રહ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારીના જલાલપોર ખાતે પટેલ સોસાયટી ગાયત્રી નિવાસ મિશ્ર શાળા નં 6 પાસે ભાડેથી રહેતા મૂળ યુ.પી.ના રાજપુર ગામના વતની એવા અર્જુન લલ્લનપ્રસાદ બિન્દ (ઉ.વ.18)નવસારી ખાતે આવેલી ગોલ્ડી સોલર કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે મંગળવારે રાત્રે 11:30 વાગ્યે અર્જુન તેની સાથે નોકરી કરતા મિત્રો વિકાસ બચ્ચાપ્રસાદ દુબે (ઉ.વ.20, રહે, હંસગંગા સોસાયટી, જલાલપોર) અને હીરા ઘવાનું કામ કરતા મિત્ર અંકિતકુમાર રામગોપાલ મિશ્રા (ઉ.વ.22,રહે,પતરા ચાલ જલાલપોર) સાથે ત્રણેય મિત્રો પોતાની સ્પ્લેન્ડર બાઇક(નં,જીજે-21-કે-0165) પર નવસારીથી સુરત ઉધના ખાતે રહેતા પોતાના ટેકેદાર ને ત્યાં મળવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર થી પુરપાટ ઝડપી અને બેફામ બાઈક હંકારી લઈ જઈ કોલાસણા ગામના પાટિયા પાસે વણાંકમાં બાઈક ચાલક વિકાસ દુબેએ બાઈક પરથી કાબુ ગુમાવી દઈ બાઈક રસ્તાની બાજુમાં આવેલ બસ સટેન્ડમાં ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતના ટ્રીપલ સીટ બાઈક પર ત્રણેય યુવાન મિત્રો રસ્તા પર ફંગોળાઇ જતા તેઓ ત્રણેયને શરીરે માથાના ભાગે તથા હાથ પગના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં ત્રણેય મિત્રોના ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.આ જીવલેણ અકસ્માતમાં એક સાથે ત્રણ ત્રણ યુવાનોના મોતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા અકસ્માત નિહાળવા ઉમટી પડ્યા હતા. અકસ્માત અંગે મરોલી પોલીસને જાણ થતાં જ પીઆઇ ડી.જે.પટેલ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ત્રણેય મૃતક યુવાનોની લાશ પાસેથી મળેલ મોબાઈલ ફોન પરથી તેમના પરિવારને જાણ કરતા ત્રણેય શ્રમજીવી પરપ્રાંતિય યુવાનોના પરિવારમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.

આ બનાવ અંગે અકસ્માતમાં મોતને ભેટેલ અર્જુન બિન્દના પિતા લલ્લનપ્રસાદ બરમેશ્વરપ્રસાદ બિન્દ (રહે જલાલપોર પટેલ સોસાયટી નવસારી) એ મરોલી પોલીસમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક મરનાર વિકાસ દુબે વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ ડી.જે.પટેલ કરી રહ્યા છે.


Google NewsGoogle News