ચેકડેમના કારણે એક હજાર વીઘામાં ખેતી થઈ બંધ: ખેડૂતોની જળસમાધિની ચીમકી બાદ તંત્રએ ખાલી કર્યું પાણી
Amreli: સરકાર દ્વારા જળસંચયના કામો કરવા માટે ચેકડેમો બનાવવામાં આવે છે, પરંતુ જ્યારે ભારે વરસાદને પગલે ચેકડેમો ભરાઇ જાય છે ત્યારે પાણીના નિકાલ માટે તંત્ર કોઇ રસ દાખવતું નથી. તાજેતરમાં અમરેલીના ભેસાણ ગામમાં વરસાદી પાણીથી ચેકડેમ ભરાઇ જતા ખેડૂતોના ખેતર જવાનો માર્ગ બંધ થઇ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. માર્ગ બંધ થઇ જતા ભેષાણ ગામની એક હજાર વીઘા જેટલી જમીનમાં ખેતીકામ અટકી ગયું હતું.
ભેસાણ ગામે એક હજાર વીઘાથી વધુ જમીનમાં ખેતીકામ થાય છે. જો કે, ચેકડેમ ભરાઇ જતા વાડી-ખેતરે જવાના માર્ગ બંધ થઇ ગયા હતા. આ બાબતે ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા આજે (5 સપ્ટેમ્બર) ખેડૂતો દ્વારા જળ સમાધી કાર્યક્ર્મ યોજવાની ચીમકી આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દોડતું થયું હતું. છેવટે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સમજાવટ બાદ તંત્ર દ્વારા બોડીયા ચેકડેમમાંથી પાણીનો પ્રવાહ ખોલવામાં આવ્યો હતો અને ખેડૂતોએ જળ સમાધી કાર્યક્રમ મોકૂફ કર્યો હતો.
લીલીયા તાલુકાના ભેસાણ ગામના ખેડૂતો માટે બોડિયા ચેકડેમને કારણે વાડીએ જવાનો વિકટ પ્રશ્ન સર્જાયો હતો. ચેકડેમમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો તેમજ માલધારીઓને જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત ગામની એક હજાર વીઘા જમીનમાં ખેતીકામ પણ અટકી ગયું હતું. લોકોને મુશ્કેલીઓ પડવા છતા તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન કરતા સ્થાનિકો દ્વારા જળસમાધિ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જે અંગે જળ સિંચાઇ વિભાગના અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક કરી હતી, આ બેઠકમાં વાટાઘાટો બાદ ચેકડેમમાંથી પાણી છોડીને ખેડૂતોનો રસ્તો કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી, જે પછી ખેડૂતોએ જળ સમાધિ કાર્યક્ર્મ મોકૂફ કર્યો હતો. નોંધનીય છે કે, 15 દિવસ પહેલા જ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બોડિયા ચેકડેમનું લોકાર્પણ કર્યું હતું.