કપાસમાં તેજીનો પરપોટો ફૂટ્યા પછી ગુજરાતમાં ખેડૂતો મગફળી તરફ વળ્યા : વાવેતર વધ્યું

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
કપાસમાં તેજીનો પરપોટો ફૂટ્યા પછી ગુજરાતમાં ખેડૂતો મગફળી તરફ વળ્યા : વાવેતર વધ્યું 1 - image


રાજકોટ : ગુજરાતમાં વર્ષ દરમિયાન કપાસના ભાવ કે જે અગાઉ રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા હતા તેની તેજીનો પરપોટો ફૂટયો અને ભાવ નોર્મલી પ્રતિ મણ રૂ. 1500થી 1600ના હાલ ચાલી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોય રાજ્યના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે. ગત નાણાકીય વર્ષ 2023- 24ના રાજ્યમાં 46.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું અને આ વર્ષે હજુ સીઝન તો બાકી છે ત્યાં એક માસમાં મગફળીનું વાવેતર ગત વર્ષના કૂલ 16.94 લાખથી વધીને 17.23 લાખે પહોંચી ગયું છે. મગફળી મુખ્યત્વે ચોમાસામાં અને ત્યારબાદ ઉનાળામાં પણ વવાતી હોય છે. ગત વર્ષ ઈ.2023-24માં ગુજરાતમાં 46.42 લાખ ટનનું મબલખ ઉત્પાદન નોંધાયું હતું. 

રાજ્યમાં ખેતી ચોમાસા આધારિત હોય કૃષિ માટે હાલ ખરીફ ઋતુ એ મુખ્ય સિઝન છે જેમાં કૂલ આશરે 86 લાખ હેક્ટર જમીનને ખેડીને વિવિધ 20 જેટલા પાકોના બીજ રોપાતા હોય છે અને વરસાદ સારો થાય તો બમ્પર પાક થતો રહ્યો છે. આ વર્ષે તા. 15 જૂલાઈ સુધીમાં સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54.30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45 ટકા વાવણી થઈ છે અને આશરે 40 ટકા વાવણી  હજુ બાકી છે ત્યાં જ મગફળીનું વાવેતર ગત વર્ષે આજની તારીખે 15.84 લાખ હેક્ટર હતું તે આ વર્ષે 1.38 લાખ વધીને 17,22,756 હેક્ટરમાં થયું છે.

જો કે કપાસના ભાવ એક વર્ષ પહેલા આસમાને પહોંચતા તેનું ઈ.2023- 24દરમિયાન 26.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને 99.91 લાખ ગાંસડીનું બમ્પર ઉત્પાદન થયું હતું. પરંતુ, આ વર્ષે કપાસની તેજીનો પરપોટો ફૂટયો હતો અને ભાવ સામાન્ય પ્રતિ મણ રૂ 1500થી 1600 વચ્ચે જળવાયા છે. આ સ્થિતિમાં આ વર્ષે કપાસનું વાવેતર ખેડૂતો બહુ વધારવા માંગતા ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગત વર્ષે આજ સુધીમાં 25.40 લાખ ટન  સામે આ વર્ષે 20.99 લાખ ટન કપાસનું વાવેતર થયું છે. જોકે નોર્મલ વાવેતર કરતા અત્યાર સુધીમાં જ 84 ટકાથી વધુ વાવેતર થઈ ગયું છે. 

ગુજરાતમાં અન્ય મુખ્ય પાકોમાં ડાંગરનું 1.85 લાખ હેક્ટર, બાજરીનું 99.547  હે., મકાઈનું 2.27 લાખ હેક્ટર, મગનું 16,500, અડદનું 28306 હે., તલનું 15,954 હે.માં વાવેતર થયું છે જે ગત વર્ષથી આંશિક ઓછુ છે. પરંતુ, જે પાકોનું વાવેતર ગત વર્ષે આજની તારીખની સાપેક્ષે વધ્યું છે તેમાં જુવાર 11,285  હે., તુવેર 1,23,286 હે.,  સોયાબીન 2,55,909 હેક્ટરમાં થયું છે. હજુ વાવણીનું કામ જારી રહેશે.


Google NewsGoogle News