વડોદરા જિલ્લાના ખેડૂતો પર વધુ એક આફત, ખરા સમયે જીવાત પડતાં કપાસ કાળો પડ્યોઃભાવ ઓછા હતા અને ઉપજ ઘટી
વડોદરાઃ વડોદરા જિલ્લામાં કેટલાક ગામોમાં કપાસના પાકમાં જીવાતો પડતાં કપાસ કાળો થવા માંડયો છે અને તેને કારણે ઉત્પાદન ઘટતાં ખેડૂતોને વધુ એક ફટકો પડયો છે.
ચોમાસામાં પૂરને કારણે ખેતરોમાં ધોવાણ થતાં ઉનાળાથી કપાસ માટે મહેનત કરનારા ખેડૂતોને પૂરને કારણે ભારે નુકસાન થયું હતું.તેમને વળતર પણ નહિ જેવું મળતાં નારાજગી વ્યાપી હતી.
ખેડૂતોએ માંડમાંડ કપાસને ફરી બેઠો કરી ખેતી કરતાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ૮ ટકા ભેજવાલા કપાસના ક્વિન્ટલે રૃ.૭૪૭૧ નો ટેકાનો ભાવ જાહેર કરી ખરીદી શરૃ કરી છે.પરંતુ આ ભાવ ખેડૂતોને પોષાય તેમ નહિ હોવાથી તેમને ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ પડયો છે.
દરમિયાનમાં કપાસ ઉતારવાના સમયે વ્હાઇટ ફ્લાય,મીલીબગ જેવી જીવાતોએ પાકને કોરી ખાતાં અનેક ખેડૂતોનો કપાસ છેલ્લી ઘડીએ કાળો પડી ગયો છે.જેને કારણે કપાસની ઉપજ પર અસર પડી છે અને કેટલાક ખેડૂતોને તો ગત વર્ષ કરતાં અડધો પાક પણ મળ્યો નથી.