માવઠું બન્યું મુસીબત! કપાસ, મગફળી સહિતના વાવેતરનો સોથ વળી ગયો, જગતનો તાત ચિંતિત
Representative image |
Farmers Suffer Crop Damage Due To Rain: સૌરાષ્ટ્રમાં ચોમાસું વિધિવત પૂર્ણ થવા છતાં હજુ વરસાદ અવિરત ચાલું છે. પરિણામે જેતપુર, લોધિકા બગસરા પંથકમાં પણ માવઠાનાં કારણે ખેતી પાકનો સોંથ વળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તાકિદે સર્વે કરાવીને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે.
વરસાદે જગતાતની ચિંતામાં વધારો કર્યો
જેતપુરના ગ્રામીણ વિસ્તારમાં એકાંતરા વરસતા વરસાદે જગતાતની ચિંતામાં વધારો કર્યો છે. હાલ છેલ્લા 10 દિવસથી જેતપુર અને તેના ગ્રામીણ વિસ્તાર એવા ખીરસરા, જેતલસર, ડેડરવા, અમરનગર, સેલૂકા, વિરપુર સહિત અન્ય ગામોમાં વરસતા વરસાદ થી ખેતી આધારિત આ તાલુકામાં ખેતીની મૌસમ શરુ થતા મગફળી ખેડૂતોએ ઉપાડી હોવાથી ક્યાંક મગફળીના પાથરા પાણીના વહેણમાં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા તરતા પાથરા, તો ક્યાંક પલળતા પાથરા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: પાછોતરા વરસાદે ગુજરાતને ધમરોળ્યું! અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી
સાથે કપાસમાં આવેલો નવો ફાલ પણ ખરી રહ્યો છે. ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાની થઈ રહી છે. જગતાત ગણાતા ખેડૂતોને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળી રહ્યો છે. હાલ જગતાતની ચિંતા વધતા સમગ્ર તાલુકામાં થયેલી નુકસાનીનો સર્વે કરાવીને તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.
વળતર આપવા ખેડૂતોની માંગ
લોધિકા તાલુકામાં 6થી 7 દિવસથી પવન સાથે સતત વરસાદ પડતા ખેડૂતોના મરચા, ડુંગળી, સોયાબીન, મગફળી સહિત પાકના વાવેતરને પણ ભારે નુકસાન થયું છે. મોંઘા ભાવના ખાતર, બિયારણ દવાઓનો ખર્ચ કરેલો હોય ત્યારે હવે પાક નિષ્ફળ થયો છે. હાલ પણ ખેતરમાં પાણી ભરાયા હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જેને લઈ તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવી મોલના નુકસાન થયું છે, તેનું વળતર આપવા માંગણી ઉઠી છે.
વરસાદના લીધે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ
બગસરા પંથકમાં ચોમાસા દરમિયાન 47 ઈંચ જેટલો વરસાદ પડયો છે. જેના હિસાબે અહીંનો મૂંજીયાસર ડેમ પણ ભરાઇ ગયો છે. જ્યારે અવિરત પડી રહેલ વરસાદના લીધે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. મગફળી, કપાસ તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. બગસરા પંથકમાં 29,895 હેકટર ખેતીની જમીન છે, જેમાં મગફળી 4784 હેકટરમાં અને કપાસ 14072 હેકટરમાં તેમજ સોયાબીન 6524 હેકટરમાં વાવેતર કરવામાં આવેલું છે. જેમાં વ્યાપક વરસાદ પડતાં મગફળીના પોપટામાંથી દાણા ઉગી ગયા છે. કપાસના ફૂલ ખરી ગયા છે. સોયાબીનનો પાક બળી ગયો છે. જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. આવી કપરી સ્થિતિમાં સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે.