વડોદરા: કંડલા, ગોરખપુર LPG પાઇપ લાઇન માટે એક ઇંચ જમીન પણ નહીં આપવા ખેડૂતોનો નિર્ધાર
- આંદોલનની ચીમકી, નવાપુરા ગામે ખેડૂતોની બેઠક મળી
- ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે વળતર અંગે ભારે અસંતોષ
- આર્થિક નુકસાન ન જાય તે માટે વાટાઘાટો દ્વારા નિવેડો લાવવા માગણી
વડોદરા, તા. 15 ઓક્ટોબર 2022 શનિવાર
કંડલા, ગોરખપુર એલપીજી પાઇપલાઇન નાખવા માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને વળતર અંગે ભારે અસંતોષ છે, જેથી ખેડૂતોએ બેઠક યોજી ને વાટાઘાટો દ્વારા નિવેડો લાવવામાં ન આવે તો એક ઇંચ જમીન પણ નહીં આપવા નિર્ધાર વ્યક્ત કર્યો છે , અને આંદોલનની ચીમકી આપી છે. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ નવાપુરા ગામે ખેડૂતોની બેઠક મળી હતી.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નવાપુરા- અલ્હાદપુરા ગામની ખેતીની જમીનમાંથી આ ગેસ પાઇપલાઇન પસાર થવાની છે. લગભગ 25 ખેડૂતોને પાઇપલાઇન માટે જમીન સંપાદન કરવા નોટિસો આપી છે. ખેડૂતોને જમીન સંપાદન બદલ વર્ષ 2011 ની જંત્રી મુજબ વળતર આપવાનું છે. આ વળતર નવા કાયદા મુજબ બેનો ગુણાંક આપી તે રકમ ઉપર 100 ટકા સોલેસિયમ અપાશે, તેમજ સંપાદન થયેલી જમીનની કુલ રકમ ઉપર 10% રકમ ખેડૂતોને મળશે એટલે કે ખેડૂતોના ભાગે કશું જ આવે નહીં.
જો વીજળીના થાંભલા નાખવા બદલ ખેડૂતોને 15% રકમ અપાતી હોય તો ગેસ લાઈન નાખવાના કિસ્સામાં કેમ ન મળે તેવો સવાલ મંચે ઉઠાવ્યો છે. બીજું આ વપરાશી હક માટે સંપાદિત થતી જમીન પર ખેડૂતો કોઈ બાંધકામ નહીં કરી શકે. ઝાડ વાવી શકશે નહીં. જોકે ખેતી કરવાની છૂટ અપાઈ છે, પરંતુ મોટાભાગનો વાપર ઉપયોગ હક છીનવાઈ જાય.
આ બધી જમીન વડોદરા શહેર નજીક છે. જ્યારે આ જમીન પર ભવિષ્યમાં ટીપી નું આયોજન થાય, ત્યારે બાંધકામ ન કરી શકવાની મનાઈને લીધે ખેડૂતોને જમીનની કિંમત જ ન મળે. એટલે કે વધુ આર્થિક ફટકો પડે. પાઇપલાઇન માટે સંપાદન બાદ બાકી રહેતી જમીનની બજાર કિંમત ઓછી થઈ જાય. સરકારે ખરેખર તો વર્ષ 2011 પછી દર ચાર વર્ષે જંત્રી રિવાઇઝડ કરવાની હોય પણ સરકાર કરતી નથી, કારણ કે ભાવ વધુ આપવો પડે.