ચોખા પર એક્સપોર્ટ ડયૂટી ઘટાડીને 10 ટકા કરાતા ખેડૂતોમાં ખુશાલી
- સુરતના ઓલપાડ તાલુકામાં જ 12 લાખ ગુણી ઉનાળું ડાંગરનો પાક ઉતરે છેઃ અગાઉ 20 ટકા ડયૂટી હતી
સુરત
કેન્દ્ર સરકારે પાકા ચોખા પર એકસપોર્ટ ડયુટી ૨૦ ટકા કરી દેતા ડાંગર પકવતા ખેડુતોની આવકમાં મોટો ફટકો પડશે તેવી રજૂઆતો બાદ કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા નોટીફિકેશન જારી કરીને ડયુટીમાં ઘટાડો કરીને ૧૦ ટકા કરી દેતા ખેડુત આલમમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ હતુ.
સુરત જિલ્લામાં ડાંગરનો પાક ચોમાસુ અને ઉનાળુ એમ બે સિઝનમાં લેવામાં આવે છે. ત્યારે કેન્દ્વ સરકારે દેશની અંદર ચોખાની અછત ના સર્જાય તે માટે પાકા ( બોઇલ ) ચોખા માટે એકસપોર્ટ ડયુટી જે દસ ટકા હતી તે વધારીને ડબલ ૨૦ ટકા કરી દીધી હતી. જેથી ઓલપાડ તાલુકાના સહકારી ખેડુત આગેવાનો જયેશ પટેલ, નરેશ પટેલ વગેરેએ રાજયના વન-પર્યાવરણ મંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં જ ફકત ઉનાળુ ડાંગરની ૧૨ લાખ ગુણીની આવક જોતા અંદાજે રૃા.૧.૮૦ કરોડનો પાક લેવાય છે. જો કે સિંચાઇ, પિયાવો, મજુરી, ખાતર, દવાના ભાવમાં ધરખમ વધારો થતા ખેડુતોને પ્રતિ કિલો ૨૦ ના રૃા.૫૦૦ મળે તો પરવડે તેમ નથી. તેમાં પાકા ચોખા પર એકસપોર્ટ ડયુટી ડબલ ૨૦ ટકા કરી દેતા નિકાસ ઘટશે જેની અસર સીધી ખેડુતોની આવક પર પડશે. આથી એકસપોર્ટ ડયુટી ફરી પાછી ૧૦ ટકા કરી દેવાની માંગ કરાઇ હતી.
તાજેતરમાં જ નાણાં મંત્રાલય દ્વારા ચોખા પર એક્સપોર્ટ ડયૂટી ૧૦ ટકા કરતું નોટીફિકેશન જારી કરાયું છે. જયાં સૌથી વધુ ડાંગરની ગુણો આવે છે તે પુરુષોતમ ફાર્મસ જીનીંગ મિલના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું કે, આ નિર્ણયથી ખેડુતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ હતુ. ખેડુતોને મોટો આર્થિક ફાયદો થશે.