'...તો જનતા રેડ પાડીશું', ગુજરાતના ખેડૂતોએ સરકારનું ટેન્શન વધાર્યું, ખાતરની અછત પર બગડ્યાં!
Gujarat Farmers Threat to Governement | ચોમાસામાં ભારે વરસાદથી ચોમાસુ પાક તબાહ થઈ ગયો હતો. જેના પરિણામે ખેડૂતોની દિવાળી બગડી હતી. ચોમાસુ પાક નિષ્ફળ જતાં હવે ખેડૂતોને સારો શિયાળુ પાક થાય તેવી આશા છે. જોકે, રવિપાકનું વાવેતર શરૂ થાય તે પહેલાં જ ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે. આ જોતાં ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે, જો સરકાર પુરતા પ્રમાણમાં ખાતર મળે તેવી વ્યવસ્થા નહી કરે તો, ખાતર ડેપો પર જનતા રેડ પાડવામાં આવશે.
ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છિનવાયો...
આ વખતે વરસાદે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચાડ્યું છે. ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છિનવાયો છે. ખેતી તો ઠીક, પણ ખેતરો ધોવાયા છે. આ પરિસ્થિતીમાં ખેડૂતોની આર્થિક સ્થિતી એટલી હદે બગડી છે કે, ખાતર માટે પણ નાણાં નથી. હજુ મોટાભાગના ખેડૂતોને કૃષિ રાહત સહાય પેકેજનો લાભ મળી શક્યો નથી. આ દરમિયાન, ખેડૂતો રવિપાકના વાવેતરની તૈયારીમાં લાગી પડ્યાં છે.
રવિપાક માટે ડીએપી ખાતર વધુ ઉપયોગી છે પરિણામે ખાતરની ડિમાન્ડ રહી છે. ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છેકે, ખેડૂતોને ખાતર માટે ખાતર ડેપો ધક્કા ખાવા પડી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાતર ડેપો પર લાંબી લાઇનો લાગી છે. કામ ધંધા છોડીને ખેડૂતોને ખાતરની લાઇનોમાં ઉભા રહેવું પડે છે. કલાકો સુધી રાહ જોયા પછી ખેડૂતોને ખાલી હાથે ધેર પરત ફરવું પડે છે.
આ ઉપરાંત ખાતરની થેલીની સાથે સાથે નેનો યુરિયા પધરાવી દેવાય છે. આ કારણોસર આર્થિક રીતે તબાહ ખેડૂતોને વધારાનો ખર્ચ કરવા મજબૂર થવુ પડે છે. ખાતરના વિક્રેતાઓ ખેડૂતોની મજબૂરીની લાભ થઇ રહ્યાં છે. જામજોધપુર, લાલપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ડીએપી ખાતર જ ઉપલબ્ધ નથી.
રાજ્યમાં હાલ ડીએપી ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ખાતર માટે ખેડૂતો ફાંફા મારી રહ્યાં છે. ખાતરના ડેપો ખાલીખમ પડ્યાં છે. ગુજરાતમાં રવિપાક માટે 1.75 લાખ મે.ટનની જરૂરિયાત છે જેની સામે હાલ માત્ર 45 હજાર મે.ટન ખાતર જ ઉપલબ્ધ છે. ખેડૂતોની માંગ સાથે જથ્થો અપૂરતો રહ્યો છે પરિણામે ખાતરની ડિમાન્ડ રહી છે.
ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે, ખાતર કંપનીઓને લાભ થાય તે માટે ખાતરની કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ડીએપી સહિત અન્ય ખાતર પુરતા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઇએ. નહીતર ખેડૂતો રવિપાક પણ મેળવી શકશે નહી.