Get The App

માળિયા તાલુકામાં છેવાડાનાં ખેડૂતો નર્મદા કેનાલનાં પાણીથી વંચિત

- કૂવા કાંઠે જ તરસ્યા રહેવા જેવી હાલત

- માળિયા મિંયાણાના છોવાડાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોંચતું નથી

Updated: Jun 12th, 2021


Google NewsGoogle News
માળિયા તાલુકામાં છેવાડાનાં ખેડૂતો નર્મદા કેનાલનાં પાણીથી વંચિત 1 - image


15 ગામોનાંં ખેડૂતોએ નર્મદાનીરની આશાએ વાવેતર કર્યું પણ પુરતું પાણી નહીં પહોંચતું હોવાથી ચિંતાનો માહોલ

મોરબી, : રાજ્યમાં નર્મદા ડેમ બનવાથી ખેડૂતો ખુશહાલ થશે, સિંચાઈ માટે પાણીની તંગી નહિ રહે તેવા અનેક રાજકીય વાયદાઓ ખેડૂતોએ સાંભળ્યા હશે. જોકે નક્કર વાસ્તવિકતા એ છે કે હજુ પણ નર્મદા કેનાલના કમાંડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે વલખા મારવા પડતા હોય છે. આવી જ સ્થિતિ માળિયા તાલુકાની જોવા મળે છે. માળિયા તાલુકામાંથી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલ પસાર થાય છે. જોકે તાલુકાના છેવાડાના ગામોમાં પાણી પહોંચતું ના હોય તેવી સતત ફરિયાદો ઉઠી રહી છે. માળિયા તાલુકાના છેવાડાના ૧૫ જેટલા ગામોમાં કેનાલની સુવિધા હોવા છતાં  દર વર્ષે સિંચાઈ માટે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

માળિયા તાલુકાના છેવાડાના ગામો જેવા કે સુલતાનપુર, માણાબા, ચીખલી, વિશાલનગર, વાધરવા, ખીરઈ, ખાખરેચી અને કુંભારિયા સહિતના છેવાડાના ગામો સુધી પાણી પહોચતું જ નથી. સુલતાનપુર ગામના ખેડૂત આગેવાન ભાવેશ વિડજા જણાવે છે કે ઢાંકીથી ખીરઈ સુધી ૧૩૬ કિમી જેટલું અંતર છે. તાલુકાના છેવાડાના ૧૫ જેટલા ગામોએ ૫૦ હજાર વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે. ૧૫૦૦ રૂપિયા પ્રતિ વીઘાએ વાવેતર ખર્ચ થતો હોય છે અને ખેડૂતોએ પહેલું પાણ આપ્યું છે. હવે બીજું પાણ આપવાનો સમય છે ત્યારે પાણી બંધ છે અને પાણી પહોંચતું નથી. જેથી ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ જશે.

સુલતાનપુર ગામના ખેડૂત નારણભાઈ જણાવે છે કે તેને ૩૦ વીઘા જમીન છે. જેમાં ૨૦ વીઘામાં કપાસ વાવ્યો છે. જેને બીજું પાણ આપવાના સમયે પાણી નથી તો હવે ખેડૂત શું કરે વાવેતર ખર્ચ પણ તેને માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

માળિયા તાલુકામાં આવેલી નર્મદા બ્રાંચ કેનાલથી ૧૫ હજાર જેટલા ખેડૂતોને લાભ મળે છે, પરંતુ ઉનાળામાં જયારે પાણી જરૂર ના હતી ત્યારે કેનાલ જતી હતી અને હવે ખેડૂતે કપાસ વાવ્યો છે અને પાણી પાવાનો સમય છે ત્યારે પાણી પહોંચતું નથી. ખેડૂતોએ કપાસ અને મગફળી વાવેતર કર્યું છે, જેમાં કપાસમાં ૧૫૦૦ અને મગફળીમાં ૩૦૦૦ રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થતો હોય છે. ધ્રાંગધ્રા-હળવદ કેનાલ પર પહેરો ગોઠવાય તો જ માળિયા તાલુકાના છેવાડાના ગામો સુધી પહોંચી પહોંચશે તેમ બળવંતભાઈ નામના ખેડૂત જણાવે છે. તો અન્ય એક ખેડૂત તુષાર દશાડીયા જણાવે છે કે દર વર્ષે આંદોલન કરીએ તો જ પાણી મળે છે અને ખેડૂતો આંદોલન કરે બાદમાં જ તંત્ર પગલા ભરતું હોય છે તેમ જણાવ્યું છે. જેથી આ વર્ષે પણ આંદોલન બાદ જ નીમ્ભર તંત્ર જાગશે તેમ જણાવ્યું હતું.


Google NewsGoogle News