બનાસકાંઠાના ખેડૂતો આકરા પાણીએ, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી
Banaskantha farmer: બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ત્યારે દિયોદર અને લાખણી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓની સંપાદન થતી જમીનનું જૂની જંત્રી પ્રમાણે નહીં પરંતુ નવી જંત્રી મુજબ વળતર ચુકવવાની માંગણી કરી છે. આ મામલે નાયબ કલેકટરને આવેદન આપીને ખેડૂતોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત માંગણી નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોની આંદોલન ચિમકી
બનાસકાંઠાના દિયોદર અને લાખણી તાલુકાના 14 ગામોના ખેડૂતોએ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વેનું સર્વે થઈ ગયું છે. ત્યારે દિયોદર લાખણી તાલુકાના આ ખેડૂતોએ નવીન જંત્રી પ્રમાણે ખેડૂતોની જમીન સંપાદનના ભાવ મળી રહે એ માટે દિયોદર પ્રાંતઅધિકારીને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું છે. વિસ્તારમાં નર્મદાના અને સુજલામ સુફલામના નીર આવતા આ વિસ્તારના ખેડૂતો સીઝનમાં 3થી 4 પાક લેતા થયા છે.
દિયોદર અને લાખણી તાલુકાના 14 ગામના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે. આ મહામૂલી જમીન પાણીના ભાવે ન વેચાય અને 2011ની જૂની જંત્રી પ્રમાણે નહીં, પરંતુ 2024ની નવી જંત્રી પ્રમાણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેડૂતોની જમીનનું પુરતું વળતર મળી રહે એ માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી.
ખેડૂતોનું કહેવું છે કે સરકાર અમારી માંગ નહીં સંતોષે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને કોર્ટના દ્વાર પણ ખખડાવ છું. જૂની જંત્રીની કિંમત સરેરાશ 15 રૂપિયાથી 50 રૂપિયા અંદાજિત દરેક ગામની જંત્રી છે. સરકાર દ્વારા નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે.
લાખણીના બે અને દિયોદરના 12 ગામની જમીન સંપાદન
થરાદથી અમદાવાદ એક્સપ્રેસવેમાં લાખણી તાલુકાના બે ગામ લીંબાવું અને ચાળવા દિયોદર તાલુકાના 12 ગામ ફોરણા, સરદારપુરા જસાલી, ઓઢા ,કોટડા-વાતમ, જુના-માતમ, નવા-સેસણ, જુના ચોટીલા, સહિત મકડાલા ગામોના ખેડૂતોની જમીનનું સંપાદન થઈ છે.