બામણાસામાં યોજાયું ખેડૂત મહાસંમેલન, 100 ગામના ખેડૂતો પહોંચ્યા, જાણો કયા મુદ્દે શરૂ થયું આ મહાઆંદોલન
Farmers Mahapanchayat in Bamanasa Junagadh : જૂનાગઢ બામણાસામાં ખેડૂતોએ મહાપંચાયત યોજીને સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે, ત્યારે ઘેડના ખેડૂતોની મુશ્કેલી, ઈકો ઝોન, લીલો દુષ્કાળ, ભુલ ભરેલી જમીન માપણી, નદી પ્રદુષિત સહિતના મુદ્દે ખેડૂતોમાં રોષ છવાયો છે. આ ખેડૂતોની મહાપંચાયતનું આયોજન સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયા, આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ, ખેડૂત પુત્ર બજરંગ પુનિયા અને કિસાન મોરચાના કન્વીનર યોગેન્દ્ર યાદવ, આપના નેતા ગોપીલ ઈટાલિયા, જીગ્નેશ મેવાણી, ભાજપના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, આંદોલનકારી પ્રવિણ રામ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે ખેડૂત મહાપંચાયતની મળેલી સભામાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માગ સ્વીકારવામાં નહીં આવે તો, આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
સિંહ જંગલ બહાર આવે તે જંગલ ખાતાની નબળાઈ : પાલ આંબલિયા
કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું કે, 'સિંહ જંગલ બહાર આવે તે જંગલ ખાતાની નબળાઈ છે. ઈકો સેન્સિટિવ ઝોનને સરળ શબ્દોમાં સમજવું હોય તો જંગલનું રાજ્ય હતું તે 10 કિલોમીટર સુધી આગળ વધાર્યું છે. તેમાં જે થાય છે સરકારમાં બેઠેલા હોશિયાર છે કે રાજા-મહારાજા હોશિયાર છે? તે સમયે રાજા-મહારાજા દર વર્ષે જંગલનું કટિંગ કરાવતા હતા. તેથી સિંહ દોડીને શિકાર કરી શકતો હતો. તે દોડીને શિકાર નથી કરી શકતો એટલે સિંહને બહાર આવવું પડ્યું છે. આ જે સિંહ બહાર આવે છે તે જંગલ ખાતાની નબળાઈના કારણે બહાર આવે છે. તમે અઢી લાખ ઘેડ વિસ્તારના 100 ગામોના ખેડૂતોને રોજગાર વિહોણા કરો છો. એટલે તમારી રોજગારી છીનવી રહ્યા છો. અમે 5-10-15 લાખને રોજગારી આપી શકીએ એમ છીએ.'
ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ
ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ 1,468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નિયમ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે 10 કિ.મી. ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનો હોય, ત્યારે ઈકો સેન્સિટિવ ઝોનથી અસરગ્રસ્ત ગામના લોકો, ખેડૂતો, ગ્રામ પંચાયતો તેમજ રાજકીય આગેવાનો સહિત સૌરાષ્ટ્રભરના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખુલીને વિરોધ કરીને ઈકો સેન્સિટિવ ઝોન નાબુદ કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગિરનારની લીલી પરિક્રમા: યાત્રામાં જાવ તો આ વાતનું રાખજો ધ્યાન, તો સંતોએ કરી ખાસ માગ
ખેડૂતોનું કહેવું છે કે, ઈકો સેન્સિટિવ ઝોન કારણે તેમના ખેતરમાં કામથી માંડીને બાંધકામ સહિત દરેક જગ્યાએ વન વિભાગની મંજૂરી લેવી પડશે અને તેમનું નિયંત્રણ હેઠળ આવી જશે. આખા સૌરાષ્ટ્રની જનતા સિંહોની રક્ષા કરવા પડખે ઉભી છે પણ વન વિભાગની કનડગત વધશે એ બિલકુલ ચાલવી લેવામાં આવશે નહીં.