સુરેન્દ્રનગરમાં પાક નુકસાની વળતર ઓછું મળવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ
- ખેતીવાડી કચેરીએ આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી
- વિવિધ બેનરો- સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતોની રેલી : જિલ્લામાં મોટાપાયે પાકમાં નુકસાન થયું હોવા છતાં સરકારે નજીવી રકમ ચૂકવી મશ્કરી કરી હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે નુકસાની અંગે સહાય ચુકવવામાં આવી રહી છે. પરંતુ મોટાભાગના તાલુકાઓમાં નુકસાની સામે નજીવી રકમ ચુકવવામાં આવતા સરકારે મશ્કરી કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ તાત્કાલીક સહાયની પુરતી રકમ ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અઠવાડીયા બાદ ખેતીવાડી કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારતા દોડધામ મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અનિયમીત તેમજ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું. જિલ્લાના અનેક તાલુકાઓમાં ગ્રામસેવકએ ખેડૂતોના ખેતરો સુધી જઈ સર્વે કરવાને બદલે અમુક ખેતરોમાં સર્વે હાથ ધર્યો હતો. જેને પગલે ખેડૂતોને નુકસાની સામે નજીવી રકમની સહાય ચુકવવામાં આવતા સરકારે મશ્કરી કરી હોય તેવી લાગણી અનુભવી રહ્યાં છે.
થોડા દિવસો પહેલા પણ ખેડૂતોએ આ મુદ્દે લેખિત રજૂઆત કરી હતી પરતુ તંત્રના પેટનું પાણી નહીં હલતા ફરી આજે રોષે ભરાયેલા સાયલા, ચોટીલા, થાન, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ખેતીવાડી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને જબ જબ કિસાન બોલા હે રાજ સિંહાસન ડોલા હે, હમે હમારા હક્ક ચાહીયે નહિં કિસી કી ભીખ જેવા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી હતી. તેમજ ખેડૂતોએ આગામી ૮ દિવસમાં તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે આરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.
સાયલા તાલુકાના અનેક ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયાનો આક્ષેપ
સાયલા તાલુકાના વાટાવચ્છ, સુદામડા, ભાડલા સહિતના અનેક ગામોના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેમાં અંદાજે ૧૩,૦૦૦થી વધુ ખેડૂતોએ નુકસાની અંગે સહાય મેળવવા ફોર્મ ભર્યા હતા. પરંતુ મોટાભાગના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થતા સહાયથી વંચીત રહેવાનો વારો આવ્યો છે.