સાયલામાં ખેડૂતોએ પૈસા ઉઘરાવીને સરકારને રૂપિયા 1501 મોકલ્યા
પાક નુકસાનીના સહાય પેકેજ મુદ્દે રેલી
સિઝનનો 144 ટકા વરસાદ છતાં તાલુકાના ખેડૂતોને સહાય વંચિત રખાતા રજૂઆત
સાયલા તાલુકાના ખેડૂતોએ આજે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન સામે કૃષિ રાહત પેેકેજ આપવા મુદ્દે મામલતદારને આવેદન પાઠવામાં આવ્યું હતું. તાલુકામાં સિઝનનો ૧૪૪ ટકાથી વધુ વરસાદ થયો હોવા છતાં ખેડૂતોને વળતર નહીં મળતા ખેડૂતોએ રેલી કાઢી તંત્ર સામે આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકામાં સિઝનનો ૮૧ ટકા વરસાદ થયો હોવા છતાં કેટલાક ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવામાં આવ્યું છે. જ્યારે સાયલા તાલુકાના ખેડૂતોને વળતરથી વંચિત રાખવામાં આવ્યાં હતા.
અગાઉ ખેડૂતોએ વળતર અંગે રજૂઆત કરી હતી ત્યારે સરકાર પાસે પૈસા નથી એવું અધિકારીઓ રટણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેને લઇને આજે ખેડૂતોએ જોળી ફેરવી પૈસા ઉધરાવ્યા હતા અને મામલતદાર મારફતે સરકારને રૂ.૧૫૦૧ મોકલવામાં આવ્યા હતા. ખેડૂતોએ મામલતદાર આર.એમ.ચૌધરી પર આરોપ લગાવ્યો કે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે કૃષિ રાહત પેકેજને લઇ સવાલ કરવામાં આવે ત્યારે દરેક વખતે એક જ જવાબ આપવામાં આવે કે,''હું નવો છું, કાલે જ હાજર થયો છું, મને કાંઈ ખબર નથી.'' કેટલા ટકા વરસાદ પડે ત્યારે અતિવૃષ્ઠિ જાહેર કરવામાં આવે તેનું જ્ઞાાન પણ સાયલા મામલતદારને નથી તેવો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ આ સાથે સિંચાઇનું પાણી, ખાતરમાં ભાવ વધારો મુદ્દે પણ રજૂઆત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. સર્વે કરનારાઓએ ખેડૂતોના ખેતરે જઇ સર્વે કર્યો નથી. માત્ર કાગળ ઉપર જ સર્વે હાથ ધર્યો છે તેવ આક્ષેપ કરી ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.