ખેડૂત સમાજની ઓફિસ પર બુલડોઝર ફેરવવાની ઘટનામાં ખેડુતોનો મોરચો
- અધિક કલેકટરને આવેદનપત્ર અપાયું : કિન્નાખોરી રાખી થયેલા ડિમોલીશનને પગલે કાર્યવાહી કરવાની માંગ
સુરત
ખેડુત સમાજના આગેવાનોને ડીટેઇન કરીને ઓફિસ સીલ મારી બુલડોઝર ફેરવવાના વિવાદમાં આજે ખેડુતોએ મોરચો કાઢીને જિલ્લા કલેકટરાલયમાં આવેદનપત્ર પાઠવીને આ કેસમાં તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.
પુરુષોતમ ફાર્મસ જીનીંગ મીલ દ્વારા ખેડુત સમાજને જહાંગીરપુરા જીનખાતે ઓફિસ ૫૧ વર્ષના ભાડાપટ્ટે આપી હતી. ત્યારબાદ મંડળીને મળેલી જનરલ સભામાં ભાડા કરાર રદ કરી દઇને ઓફિસ સહિતનું મકાન જર્જરિત થઇ ગયુ હોવાની જણાવીને ખાલી કરવા નોટીસ આપી હતી. ખેડુત સમાજના આગેવાનો એ ઓફિસ ખાલી નહીં કરતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ ઓફિસને સીલ મારીને કલાકની અંદર જ બુલડોઝર ફેરવી દઇને ઓફિસ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. આ કેસમાં ખેડુત સમાજના ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ, સુરત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ પરિમલ પટેલ સહિતના આગેવાનોએ આજે મોરચો કાઢીને અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે મંડળી દ્વારા જે નિર્ણય લેવાયો હતો. તેની સામે મોટાભાગના ખેડુત સભ્યો સહમત નથી.ખેડુત સમાજ કાયદાની મર્યાદામાં રહીને લડત ચલાવે છે. તેવા સંજોગોમાં ખેડુત સમાજ સાથે રાજકીય કિન્નાખોરી રાખી ખેડુતોને હેરાન કરવાનું કૃત્ય સરકાર માટે યોગ્ય નથી. ખેડુુતને નુકશાન થતુ હોય તેની વાત સરકારમાં રજુ કરવાનો અધિકાર ખેડુતો અને ખેડુત સમાજને છે. તેવા સંજોગોમાં ખેડુત સમાજ સામે ખોટી રીતે અને સરકારના સહકાર વિભાગ, પોલીસ વિભાગનો દૂર ઉપયોગ કરી આ ખેડુત સમાજની ઓફિસ તોડી પાડવી એ કાયદા વિરુદ્રનું કૃત્ય છે. જેથી સરકારના આ પગલાંનો વિરોધ કરીએ છીએ.
આથી
ઓફિસ તોડી પાડવાની ઘટનામાં તટસ્થ તપાસ કરી
આ ઘટનામાં તમામ હકીકતો અને રેકર્ડ જોઇ તપાસ કરાવી ખોટી રીતે થયેલ કામગીરી
પર કાર્યવાહી કરવા માંગ કરી હતી.