Get The App

જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન 1 - image


- ખેડૂતો ખેતરે જાય કે જમીન સુધારણા કચેરીના ધક્કા ખાય ? કેસોનો ઝડપી નિકાલ કરવા માંગણી

                સુરત

જમીનના સીલીંગ કેસોમાં કલેકટરાલયની જમીન સુધારણા કચેરી દ્વારા સમયસર રીવ્યુ કરવાના બદલે થઇ રહેલા વિલંબના પગલે અકળાયેલા ખેડુતોએ આજે જિલ્લા કલેકટરાલયમાં રજુઆત કરીને આક્રોશ વ્યકત કર્યો હતો કે ચોમાસાની સિઝનમાં ખેતરોમાં જઇએ કે પછી કચેરીએ ધક્કા ખાઇએ ? આ કેસોનો ઝડપથી નિકાલ કરવા માંગ કરાઇ હતી.

જમીન ટોચ મર્યાદા હેઠળ નોંધાયેલ સીલીંગના કેસોમાં પ્રથમ મામલતદાર દ્વારા હુકમ થયા બાદ આ હુકમ રીવ્યુ માટે કલેકટરાલયના જમીન સુધારણા કચેરીમાં આવે છે. અત્રેથી રીવ્યુ થયા બાદ આ કેસો રાજય સરકારમાં અંતિમ હુકમ માટે જાય છે. આખી આ સિસ્ટમ છે. જેમાં જમીન સુધારણા કચેરીમાં કામગીરીનો બ્રેક પડયો હોવાની આજે ખેડુતોએ જિલ્લા કલેકટરાલયમાં અરજી આપીને ફરિયાદ કરી હતી કે જમીન સુધારણા કચેરીઓમાં અધિકારીઓ સમયસર પોતાની ફરજ મુજબના કામો કરી રહ્યા નથી. અને મામલતદાર દ્વારા જે કોઇ હુકમો ફરમાવેલ હોય તેવા હુકમો આ કચેરીના અધિકારીઓ દ્વારા સમયસર રીવ્યુમાં લેવાતા નથી. આવા કેસોની સંખ્યા મોટી છે. અને આ કચેરીમાં કામગીરી ધીમીગતિએ થતા ઘણી જમીનોમાં કાયદેસરની કાર્યવાહી અટકી પડી છે.

ખેડુતો દ્વારા વધુમાં આક્ષેપો થઇ રહ્યા છે કે સમયસર સીલીંગના કેસો રીવ્યુ નહીં થતા હોવાથી ભષ્ટ્રાચાર તરફ ઇશારો કરે છે. અમો ખેડુતો હાલમાં ચોમાસાની સિઝનમાં વાવેતર અને પાકની માવજત કરી રહ્યા છે ત્યારે ખેતીનું કામ છોડીને ખેડુતોએ સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે.આથી જમીન સુધારણા કચેરીના જવાબદાર અધિકારીઓ કે અન્યોએ પોતાની ફરજમાં આવતી સમયસર કેટલી કામગીરી કરી છે ? તેનો વિગતવાર અહેવાલ મેળવીને ખેડુતોના હિતમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.



Google NewsGoogle News