વિઘા દિઠ ૪૦૦ મણથી વધુ લાલ બટાટાનું ઉત્પાદ્દન મળવાની ખેડૂતોને આશા બંધાઇ
વાતાવરણ સાનુકૂળ રહ્યાનાં પગલે
ચિલોડા, જાખોરા પંથકમાં બટાટા કાઢવાનું શરૃ : વેફર બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં લાલા બટાટાનો ભાવ મણનાં રૃપિયા ૨૭૫ આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં શિયાળુ મોસમ દરમિયાન બટાટાનું વાવેતર ૧૮ હજાર હેક્ટર ઉપરાંત વિસ્તારમાં કરવામાં આવ્યુ હતું. હવે ખેડૂતો દ્વારા ખેતરમાંથી બટાટા કાઢવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. ચિલોડા અને જાખોરા પંથકમાં વેફર બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં બટાટામાં વાતાવરણ સારૃ રહેવાના કારણે વિઘા દિઠ ૪૦૦ મણ ઉપરાંત ઉતારો મળવાની આશા બંધાઇ છે. ત્યારે આ બટાટાનો મણનો ભાવ પણ રૃપિયા ૨૭૫ બોલાયો છે.
જિલ્લા ખેતીવાડી શાખાના અધિકારી સુત્રોના જણાવવા પ્રમાણે
જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર ૭,૨૪૧
હેક્ટરમાં ગાંધીનગર તાલુકામાં અને બીજા નંબરે ૭,૧૪૩ હેક્ટર દહેગામ તાલુકામાં નોંધવામાં આવ્યુ હતું. જ્યારે
માણસા તાલુકામાં ૩,૫૯૧
હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૧૦૬ હેક્ટરમાં મળીને બટાટાનો વાવેતર વિસ્તાર ૧૮,૦૮૧ હેક્ટર સુધી
પહોંચ્યો હતો.જિલ્લાના ખેડૂતો દ્વારા શાક બનાવીને જમવાના ઉપયોગમાં લેવાતા બટાટા
અને વેફર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં એલઆર જાતના લાલ બટાટાનું વાવેતર
કરવામાં આવે છે. હવે પાક તૈયાર થઇ ગયો હોવાથી ખેડૂતો દ્વારા બટાટા કાઢવાનું શરૃ
કરી દેવામાં આવ્યું છે. જાખોરા ગામના આગેવાન યશવંતભાઇ રાઠોડના જણાવવા પ્રમાણે
ચિલોડા, જાખોરા
પંથકમાં એક વિઘા દીઠ ૪૦૦થી ૪૫૦ મણ જેટલું બટાટાનું ઉત્પાદ્દન મળશે તેવા અણસાર મળી
રહ્યાં છે. ત્યારે વેફર બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતા લાલ બટાટાનો ૨૦ કિલોનો ભાવ
રૃપિયા ૨૭૫ની આસપાસ રહેવાની શક્યતા જોવામાં આવે છે. મતલબ કે કોઇ ખેડૂત દ્વારા ૧૦
વિઘામાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યુ હોય તો તેને રૃપિયા ૧૨ લાખ જેટલી વેચાણની
આવક મળી શકે છે. હાલમાં તો ખેડૂતો બટાટા કાઢવાની કામગીરીમાં લાગી ગયાં છે.