વડોદરા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી CCI એ કપાસની ખરીદી બંધ કરતાં વેપારીઓ ફાવ્યા
વડોદરાઃ વડોદરા જિલ્લામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કપાસની ખરીદી બંધ કરતાં ખેડૂતો ખાનગી વેપારીઓને કપાસ વેચવા મજબૂરથયા છે.
વડોદરા જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતો પાસેથી સીસીઆઇએ ડિસેમ્બર મહિનામાં કપાસની ખરીદી શરૃ કરી હતી.આ વખત ેતમામ કપાસ ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ છેલ્લા ૨૫ જેટલા દિવસથી કપાસની ખરીદી બંધ કરવામાં આવી છે.
જેને કારણે કપાસ ઉતારીને વેચવા માટે તૈયારી કરી રહેલા ખેડૂતો ભેરવાયા છે.જેમજેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ કપાસની ગુણવત્તા ઘટી રહી છે.જેને કારણે એ ગ્રેડના કપાસના ભાવ બી ગ્રેડના લેવા પડે તેવા સંજોગ સર્જાયા છે.
તો બીજીતરફ સીસીઆઇ દ્વારા એકાએક કપાસની ખરીદી બંધ કરાતાં ખાનગી વેપારીઓ ફાવી રહ્યા છે.આવા વેપારીઓ ખેડૂતોનો સીધો સંપર્ક કરીને કપાસ ખરીદી રહ્યા છે.જેથી ખેડૂતને પણ કપાસની હેરાફેરીનો ખર્ચ બચી જતો હોવાથી તેઓ કપાસ વેચવા માટે તૈયાર થઇ જતા હોય છે.
૫૦ કિમી વિસ્તારમાં કપાસની ગુણવત્તા માટેના અલગઅલગ માપદંડથી રોષ
સીસીઆઇ દ્વારા કપાસની ગુણવત્તા માટેના અલગઅલગ માપદંડને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી વ્યક્ત થઇ છે.આ માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ સરકારને રજૂઆત પણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરા જિલ્લાના કરજણ,આમોદ,શિનોર,ભરૃચ,પાદરા જેવા વિસ્તારોમાં લેવાતા કપાસ માટે સીસીઆઇએ ૩૪નો રેશિયો નક્કી કર્યો છે.જેનો અર્થ ૧ ક્વિન્ટલ કપાસમાંથી ૩૪ કિલો રૃ અને ૬૬ કિલો કપાસિયા થાય છે.
પરંતુ ૫૦ કિમી દૂર ડભોઇ અને બોડેલી જેવા વિસ્તારોમાં કપાસનો રેશિયો ૩૨ નો નક્કી કર્યો છે.એટેકે એક ક્વિન્ટલે ૩૨ કિલો કપાસ મળવો જોઇએ તો નિયત ભાવ અપાશે. જેથી જિલ્લા ભાજપના આગેવાનો અને કરજણ એપીએમસીના ચેરમેન વગેરેએ સરકારને પત્ર લખી રેશિયો ૩૨ કરવા માંગણી કરી છે.
જીવાતને કારણે પહેલેથી જ કપાસ કાળો પડી ગયો હતો,ઉત્પાદન ઓછું હતું
વડોદરા જિલ્લાના કરજણ તેમજ તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં કપાસની ખેતી દરમિયાન મીલીબગ,વ્હાઇટ ફ્લાય, ગેરુઓ જેવી જીવાત પડી જવાથી અનેક સ્થળે કપાસ કાળો પડી ગયો હતો.ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,કપાસ કાળો થવાથી તેના ઉત્પાદનમાં ૫૦ ટકા જેટલું નુકસાન જવાનું છે.તેમાંય સીસીઆઇ એ ખરીદી બંધ કરતાં ખેડૂતોને વધુ એક ફટકો પડયો છે.