જામજોધપુરના વાંસજાળીયા ગામમાં ભેંસોને સાઈડમાં ખસેડવાના મામલે ખેડૂત યુવાનના માથા પર લાકડી વડે હુમલો કરી માથું ફોડ્યું
Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામ પાસે બાઈક લઈને જઈ રહેલા એક ખેડૂત યુવાન પર ભેંસોને સાઈડમાં ખસેડવાના મામલે ભેંસના માલિકે તકરાર કરી માથામાં લાકડીના ત્રણ ઘા મારી માથું ફોડી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં રહેતા અને ખેતી કામ કરતા રાકેશભાઈ ભવાનભાઈ ઘરસંડીયા નામના 50 વર્ષના ખેડૂત, કે જેઓ ગઈકાલે જામજોધપુર નજીક વાંસજાળીયા ગામ પાસેની ફાટક ક્રોસ કરીને પોતાના બાઈક પર જઈ રહ્યા હતા.
જે દરમિયાન વાંસજાળીયા ગામના દિનેશ ડાહ્યાભાઈ ભાભેરાએ પોતાની ભેસોને માર્ગની વચ્ચો વચ્ચ ચલાવી હતી. જેને સાઈડમાં લઈ લેવાનું કહેતાં દિનેશ ભાભેરા ઉસ્કેરાયો હતો, અને પોતાના હાથમાં રહેલી લાકડી વડે ખેડૂત યુવાન રાકેશભાઈના માથા પર હુમલો કરી દીધો હતો, અને માથામાં લાકડીના ત્રણ ઘા માર્યા હોવાથી તેનું માથું ફૂટ્યું હતું, તેને જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લેવી પડી હતી. જેણે જામજોધપુર પોલીસ મથકમાં દિનેશ ભાભેરા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.