Get The App

વીજલાઇન નાખવાની કામગીરી સામે જ્વલનશીલ પદાર્થ છાંટી ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
વીજલાઇન નાખવાની કામગીરી સામે જ્વલનશીલ પદાર્થ છાંટી ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ 1 - image


- લખતરના તાવીની સીમમાં ખાનગી કંપનીની મનમાની સામે ખેડૂતો આકરા પાણીએ

- ભોગ બનનાર ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો : અંદાજે ૧૦થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની (ઝેટકો) દ્વારા વીજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખેડૂતોમાં આ કામગીરીને ધ્યાને લઈ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાના તાવી કામગની સીમમાં વિજલાઈન નાંખવાની કામગીરીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં એક ખેડૂતે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે ખેડૂતને ઝડપી લઈ આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ખેડૂતોની અટકાયત કરી હતી.

લખતરના ચોરણીયાથી તલસાણા ગામ સુધી ઝેટકો કંપની દ્વારા ૪૦૦ કે.વી. બેવડી વિજલાઈનની કામગીરી ચાલી રહી છે. બે દિવસ પહેલા ખેડૂતોએ વિરોધ કરી કામગીરી બંધ રખાવી હતી. પરંતુ બીજે દિવસે ફરીથી કંપની દ્વારા વિજવાયર નાંખવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ આવી પહોંચતા ખેડૂતોએ સ્થળ પર પહોંચી કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ખેડૂતોએ કંપની દ્વારા ગૌચર તેમજ ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરી વિજલાઈન નાંખવાની કામગીરી કરતા હોવાનો આક્ષેપ કરી બળાપો કાઢ્યો હતો.  

કંપની દ્વારા આ કામગીરી માટે ખેડૂતોને કોઈપણ જાતનું વળતર ચુકવવામાં આવ્યું નથી. તેમજ જાણ કર્યા વગર જમીનમાં ખોદકામ કરી ખેતરમાં ઊભા પાકને મોટાપાયે નુકસાન પહોંચાડયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. વિરોધ દરમિયાન પોલીસની હાજરીમાં એક ખેડૂત અનિરૂધ્ધસિંહ રાણાએ જ્વલનશીલ પ્રવાહી નાંખી ખેતરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ગણતરીની મિનિટમાં  પહોંચી ખેડૂતને બચાવી લઈ આત્મવિલોપનના પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. પોલીસે ભોગ બનનાર ખેડૂતને સારવાર અર્થે લીંબડી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ઝેટકોની કામગીરી મામલે ગામના સ્થાનિક ખેડૂત આગેવાન શિવભદ્રસિંહ ઝાલા સહિતનાઓએ તંત્ર સહિત સરકાર સામે રોષ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે ભોગ બનનાર ખેડૂત સહિત અનેક ખેડૂતો પોતાની જમીનમાં વાવેતર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મામલે અગાઉ સરકાર સમક્ષ ચારથી પાંચ વખત ખાનગી કપંની સામે રજૂઆત પણ કરી હતી. તેમ છતાં આજદીન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ મામલે ડીએસપી, ડીવાયએસપી, કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. ત્યાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. દિન-પ્રતિદિન ખાનગી કંપનીની કનડગત વધી રહી છે.

કંપની માનસિક ત્રાસ આપી રહી છેઃ આત્મવિલોપન કરનાર ખેડૂત

ઝેટકો કંપનીની કામગીરી સામે વિરોધ દરમિયાન જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ખેડૂત અનિરૂધ્ધસિંહ રાણાએ કપંની, કોન્ટ્રાક્ટર અને સરકાર સામે બળાપો કાઢ્યો હતો. અનિરૂધ્ધસિંહ રાણાએ કહ્યું, છેલ્લા બે-ત્રણ દિવસથી કંપની દ્વારા અમારા પરિવારને માનસીક ત્રાસ આપી શોષણ કરે છે. સરકાર દ્વારા પણ ખેડૂતોના અવાજને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવે છે.

ખાનગી કંપની સામે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરાતા રોષ

લખતરના તાવી ગામે પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યાં હતાં. પરંતુ ખેડૂતોને વિરોધ કરતા રોકી સ્થાનીક લખતર પોલીસ દ્વારા અંદાજે ૧૦થી વધુ ખેડૂતોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને ડિટેઈનની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જ્યારે ખેડૂતોની અટકાયતને પગલે પોલીસ સામે પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.



Google NewsGoogle News