દસાડાના ચીકાસરમાં ખેડૂત પર લાકડી અને ધારીયા વડે હુમલો
- મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સ સામે ફરિયાદ
- ખેતરમાં પશુ ચરાવવાની ના પાડતા માર મારી ખેડૂતને ઈજાઓ પહોંચાડી
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ચીકાસર ગામની સીમમાં ખેડુતના ખેતરમાં પશુઓ ચરાવવાની ના પાડતા ચાર શખ્સોએ ખેડુતને લાકડી, ધારીયું સહિતના હથિયારો વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જે અંગે ભોગ બનનાર ખેડુતે ચાર શખ્સો સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
દસાડાના ચીકાસર ગામે રહેતા નબીભાઈ ગનીભાઈ અળીવાળાએ પોતાના ખેતરમાં ધઉં તેમજ જીરાનું વાવેતર કર્યું હોય સવારના સમયે ખેતરમાં હાજર હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા ચાર શખ્સોએ પોતાના માલઢોર અને ભેંસો લઈ નબીભાઈના ખેતરમાં ગયા હતા. નબીભાઈએ ખેતરના પાકને નુકસાન થશે તેમ જણાવી ભેંસો લઈ ખેતરમાં આવવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને એકસંપ થઈ નબીભાઈને લાકડી અને ધારીયું સહિતના હથિયારો વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે અંગે નબીભાઈએ લાલાભાઈ વશરામભાઈ રબારી, બેચરભાઈ રાભાભાઈ રબારી, વિરમભાઈ રત્નાભાઈ રબારી (તમામ રહે.ચીકાસર, તા.પાટડી અને ધવલભાઈ કુંવરાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.