મહિલા વિશે ટિપ્પણી બદલ ઠપકો આપનાર વાડી માલિકની ભાગિયાએ નિપજાવી હત્યા
કેશોદના ચર ગામે બનેલા બનાવથી ચકચાર
રાતે મૃતકની પુત્રવધૂને રૃમમાં પૂરી દઈ ભાગિયાએ વાડીમાલિકને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી દીધા
કેશોદ તાલુકાના ચર ગામની સીમમાં રહી ખેતીકામ કરતા ખીમજીભાઈ
માલદેભાઈ બોરખતરીયાને ૧૦ વિઘા જમીન છે. તેની બાજુમાં તેના ભાઈ મેણશીભાઈની ૧૦ વિઘા
જમીન છે. મેણશીભાઈની જમીનમાં મુળ માંગરોળ તાલુકાના કારેજ ગામના લીલા ભીખા ડાભી
નામનો શખ્સ ત્રણ વર્ષથી ભાગ્યુ રાખે છે. મેણશીભાઈ તથા ખીમજીભાઈની જમીનની બાજુમાં
હરેશભાઈ ભાયાભાઈ વરૃની જમીન આવેલી છે. ભાગ્યુ રાખતો લીલા ભીખા નામનો શખ્સ કામ ન
હોય ત્યારે હરેશભાઈ અને ખીમજીભાઈની જમીનમાં મજુરી અર્થે જતો હતો. લીલાભાઈએ હરેશભાઈ
વરૃને કહ્યું હતું કે, તમારી
ઘરવાળી ખરાબ નજરની છે અને તેને બીજા સાથે સંબંધ છે. આથી, હરેશભાઈએ સમગ્ર
મામલે ખીમજીભાઈને વાત કરી કહેલ કે,
તમારા ભાઈના ભાગ્યાને સમજાવી દેજો કે કોઈના બૈરાવ વિશે આવી ખરાબ વાતો ન કરે. આ
વાતના કારણે ખીમજીભાઈએ ગત તા.૧૧ના સાંજના સમયે આરોપી લીલા ભીખાને ધમકાવેલ અને આવી
ખોટી વાતો ન કરવા ઠપકો આપ્યો હતો.
જેથી લીલો ખીમજીભાઈ સાથે ઝઘડો કરી હવે મારે તમારા કોઈનું ભાગ્યુ રાખવું નથી
અને હવે જોઈ લઈશ તેમ કહી ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ ગત તા.૧રના ખીમજીભાઈનો પુત્ર કૌશિક અને તેમના માતા
હોસ્પિટલના કામ સબબ જૂનાગઢ આવ્યા ત્યારે રાત્રીના કૌશિકભાઈને તેમની પત્નીનો ફોન આવ્યો
કે, બાપુજીને
કોઈક મારી રહ્યું છે, મારા
રૃમનો દરવાજો બહારથી બંધ કરી દીધો છે,
જેથી તમે તાત્કાલિક કોઈને ખેતર પર મોકલો.
બાદમાં કૌશિકભાઈએ તેમની નજીકમાં ખેતર ધરાવતા હરેશભાઈને ફોન કરી સ્થળ પર
મોકલ્યા ત્યારે ખીમજીભાઈને ખુબ લોહી નીકળતું હોવાથી તેણે કૌશિકભાઈને પાછો ફોન કરી
કહ્યું કે, તમે
તુરંત ઘરે આવી જાવ બાદમાં કૌશિકભાઈ ઘરે આવ્યા ત્યારે તેમના પિતા ખીમજીભાઈ ઓસરીમાં
રાખેલી સેટી પર પડયા હતા અને ચારેય બાજુથી લોહી નીકળતું હતું. માથામાં તેમજ હાથમાં
તથા જમણી બાજુ પડખાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા. આ સમગ્ર મામલે મૃતક
ખીમજીભાઈના પુત્ર કૌશિકભાઈએ લીલા ભીખા ડાભી સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી છે કે, મારા
પિતાએ આરોપીને ઠપકો આપ્યો હોવાથી તેમનું
વેર વાળવા ઘાતક હુમલો કરી ખીમજીભાઈનું ઢીમ ઢાળી દીધુ હતું. આ બનાવ અંગે પોલીસે
ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.