ધ્રાંગધ્રાના કુડા ગામે વૃદ્ધની હત્યાનો આરોપી વાડી માલિક ઝડપાયો
તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પકડયો
જુવારના વાવેતરમાં પાણી વાળવા બાબતે બોલાચાલી બાદ વચ્ચે પડેલા વૃદ્ધની લોખંડના ઘણ મારી હત્યા કરી હતી
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા નાગજીભાઈ માવજીભાઈ કોપરણીયાએ કુડા ગામની સીમમાં આવેલ ચતુરભાઈ મોતીભાઈ કોળીની વાડી ભાગવી રાખતા પિતા માવજીભાઈ કોપરણીયા સહિતનાઓ ત્યાં જ વાડીમાં રહેતા હતા જે દરમ્યાન ગત તા.૧૧ જાન્યુઆરીના રોજ સવારના સમયે વાડી માલીક અર્જુન ચતુરભાઈ કોળી ઉ.વ.૩૦ વાળો વાડીએ આવ્યો હતો અને નાગજીભાઈ સાથે વાડીમાં જુવારમાં પાણી ન વાળવા બાબતે બોલાચાલી કરી હતી જેમાં મામલો ઉગ્ર બનતા લોખંડની કોસ વડે નાગજીભાઈ પર હુમલો કરી હાથેપગે ઈજાઓ પહોંચાડી હતી. જે દરમ્યાન નાગજીભાઈના પિતા માવજીભાઈ કાનાભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ લોખંડના ઘણના બે ઘા પેટમાં મારતા મોત નીપજ્યું હતું. આથી માવજીભાઈની હત્યા નીપજાવી આરોપી અર્જુન કોળી નાસી છુટયો હતો જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં હત્યા નીપજાવનાર વાડી માલીક અર્જુન ચતુરભાઈ કોળીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.