તબીબની બેદરકારીથી મોતના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો
આણંદ શહેરની આઈરીસ હોસ્પિટલમાં
કઠલાલના દર્દીએ પાઈલ્સનું ઓપરેશન કરાવ્યા બાદ તબીયત બગડતા ફરી દાખલ થયા બાદ મૃત્યુ
ખેડા જિલ્લાના કઠલાલ તાબેના ચૌહાણપુરા ખાતે રહેતા ૪૦ વર્ષીય જયદીપકુમાર જેસંગભાઈ સોઢા પરમારને પાઈલ્સની તકલીફ હોવાથી તેઓએ આણંદ શહેરના લાંભવેલ રોડ ઉપર આવેલ આઈરીસ હોસ્પિટલમાં ગત તા. ૧૩મી ફેબુ્રઆરીએ દાખલ થયા હતા. બીજા દિવસે તેઓનું ઓપરેશન કરાયું હતું. એક દિવસ બાદ તેઓને રજા આપતા તેઓ ઘરે ગયા હતા.
જો કે ઘરે ગયા બાદ પેટમાં તકલીફ વધતા પરિવારજનો ૧૭મી ફેબુ્રઆરીએ ફરીથી આઇસીસ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સિટી સ્કેન કરાતા આંતરડામાં પરુ તેમજ બગાડ જામ થયાનું નિદાન થયું હતું. હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં રાખ્યા બાદ પલ્સરેટ વધી જતા વેન્ટિલેટર બાદ ડાયાલિસિસની તૈયારી કરાઈ હતી. ગઈકાલ સાંજે દર્દીનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
તબીબ દ્વારા ઓપરેશનમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. ઘટનાને લઈ આણંદ પોલીસે હોસ્પિટલમાંથી લાશને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપી હતી.
આ અંગે પીએસઆઇ એસ.બી. ઝાલાએ જણાવ્યું હતું કે, પાઈલ્સનું ઓપરેશન કર્યા બાદ દર્દીની હાલત બગડી હતી અને પલ્સરેટ વધવાથી અને બ્લડ પ્રેશર લો થવાને કારણે મોત નીપજ્યું હોવાનું તબીબો પ્રાથમિક પૂછપરછમાં જણાવી રહ્યા છે. હાલ લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટમાં દર્દીના મોતનું સચોટ કારણ ઉજાગર થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.