થાનના વિજળીયામાં કૌટુંબિક ભત્રીજાએ કાકા પર હથોડી વડે હુમલો કર્યો
- મારી નાખવાની ધમકી આપતા એક સામે ફરિયાદ
- કાકાના ખિસ્સામાં રહેલા 50 હજાર લૂંટી લેવા હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તારણ
સુરેન્દ્રનગર : થાન તાલકાના વિજળીયા ગામની સીમમાં મનડાસરના શખ્સને કૌટુંબિક ભત્રીજાએ માથા પર હથોડીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આરોપીએ મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનારે થાન પોલીસ મથકે ભત્રીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
થાનના મનડાસર ગામે રહેતા જીતેન્દ્રભાઈ ભલાભાઈ ચાવડા અને તેમના મિત્ર પીન્ટુભાઈ રાત્રીના સમયે તળાવ પાસે બેઠા હતા. તે દરમિયાન તેમના કુટુંબી ભત્રીજા અનીલભાઈ બાબુભાઈ ચાવડાએ આવી નવાગામ જવાનું જણાવતા જીતેન્દ્રભાઇ ભત્રીજાના બાઈક પર બેસી નવાગામ તરફ જવા રવાના થયા હતા. વિજળીયા સ્કુલની સામે પહોંચતા અનીલે બાઈક ઉભું રાખી કાકાને માવો બનાવવાનું જણાવી શૌચક્રિયાએ ગયો હતો. ત્યાંથી પરત આવતા ભત્રીજાએ પોતાની પાસે રહેલી હથોડી વડે જીતેન્દ્રભાઇના માથા તેમજ કપાળના ભાગે ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જીતેન્દ્રભાઇ ભાગવા જતા ભત્રીજા તેની પાછળ-પાછળ દોડતો હતો અને ફરિયાદીને મારી નાંખવાનું જણાવી હત્યા નીપજાવવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર જીતેન્દ્રભાઇએ કૌટુંમ્બીક ભત્રીજા અનિલભાઈ બાબુભાઈ ચાવડા સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ ફરિયાદીના ખિસ્સામાં રહેલા રોકડ રૂા.૫૦,૦૦૦ લૂંટી લેવાના ઈરાદે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.