Get The App

90વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો..કરનાળીના મા રેવા આશ્રમે ભાવુક દ્શ્યો

પરિવારોમાં વૃધ્ધોની અપમાનજનક સ્થિતિના કિસ્સાઓ વચ્ચે મધ્યપ્રદેશના સેન પરિવારની શ્રવણ ભક્તિનો કિસ્સો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
90વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો..કરનાળીના મા રેવા આશ્રમે ભાવુક દ્શ્યો 1 - image

વડોદરાઃ સમાજમાં વૃધ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃધ્ધો લાચારીભરી સ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે,ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના મા રેવા આશ્રમ ખાતે વૃધ્ધ માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે ધંધો-રોજગાર છોડી ત્રણ પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્શ્યો જોવા મળ્યા હતા.

મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાડા નગરમાં રહેતા સેન પરિવારના ૨ વર્ષથી માંડીને ૯૦ વર્ષ સુધીના ૧૩ સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા.

પરિવારના મોભી કૈલાસચંદ્ર સેને કહ્યું હતું કે,અમારા પરિવારમાં મારા ૯૦ વર્ષના માતા લક્ષ્મીબાઇ,મારી પત્ની,મારા બે પરિણીત પુત્ર સુરેન્દ્ર અને જિતેન્દ્ર તેમના પત્ની અને પાંચ બાળકો છીએ.અમે બ્યુટીપાર્લર,દુકાન અને ખેતી કરી ગુજરાન ચલાવીએ છીએ.થોડા સમય પહેલાં મારા માતા પથારીવશ થતાં તેમણે નર્મદા કિનારે અંત્યેષ્ઠિ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

90વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો..કરનાળીના મા રેવા આશ્રમે ભાવુક દ્શ્યો 2 - imageઅમારી માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાતે બે કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ.માતાની ઇચ્છા પુરી કરવા બાબતે મારા બે પુત્ર સાથે વાત કર્યા બાદ અમે તેમને લઇને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું.માતાને લઇ અમે મકાન-દુકાનને તાળાં મારી પરિક્રમા શરૃ કરી છે.જ્યારે,બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે.

નર્મદા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજ પરોઢિયે ચાર વાગે ઉઠીને પૂજા-ધ્યાન કરી અમારી સાથે ભજન-કિર્તન કરી રહ્યા છીએ.અમને પરત ફરતાં દોઢથી બે મહિનાનો સમય લાગશે.મા રેવા આશ્રમના સંચાલક રજનીભાઇ પંડયાએ કહ્યું હતું કે,અમારે ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઇને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઇ રહ્યો છે.


Google NewsGoogle News