વિરમગામની શિવ હોસ્પિટલમાં યુવકનું મોત થતાં તોડફોડ કરી પરિવારનો હોબાળો
અકસ્માતમાં યુવકને માથા અને હાથમાં ઇજા થઇ હતી
મૃતદેહને ફોરેન્સિક પેનલ પીએમ માટે અમદાવાદ મોકલાયો હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
વિરમગામ શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં ઠાકોરવાસમાં રહેતા હરેશ લક્ષ્મણભાઈ ઠાકોર (ઉ.વ.૩૫) પોતાનું બાઈક લઇ ધાંગધ્રા પાસે આવેલા રાજગઢ ગામમાં સામાજિક પ્રસંગ પતાવી બુધવાર રાત્રિના વિરમગામ તરફ આવી રહ્યો હતો. ત્યારે વણી ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકને હાથના અને માથાના ભાગે ઈજા પહોંચતા ૧૦૮ મારફત વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવામાં આવ્યો હતો. યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે લઈ જવા જણાવ્યું હતું. પરિવારે ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે શિવ હોસ્પિટલ ખાતે રાત્રિના સમયે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્ત યુવકનું સીટી સ્કેન કરી સારવાર અર્થે દાખલ કર્યો હતો.
ઇજાગ્રસ્ત યુવાન બીજા દિવસે સવાર સુધી બોલતો ચાલતો સભાન અવસ્થામાં હતો. સવારના ૯ઃ૩૦ કલાક આસપાસ ફરજ પરના ડોક્ટરે પાણી પીવડાવવાનું કહેતા પાણી પીવડાવયા બાદ અડધો કલાક બાદ યુવકની તબિયત બગડતા આઈસીયુમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું હૃદય બંધ થઈ જતા યુવકનું મૃત્યુ થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.
યુવકનું મોત નીપજતા પરિવારજનો સગા સબંધી સ્નેહીજનો, ચાલીના રહીશો શિવ હોસ્પિટલ ખાતે આવી હોબાળો મચાવી હોસ્પિટલની અંદર આવેલા ડોક્ટરની ચેમ્બરની બારી અને મેઇન ડોરના કાચ તોડી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
આ ઘટનાની જાણ થતા વિરમગામ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ ગ્રામ્ય હાંસલપુર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે બોલાવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પેનલ પીએમ માટે બપોર બાદ અમદાવાદ લઈ જવામાં આવી હતી.