યાત્રાધામનાં ફેક વેબ પેઈજ બનાવી ઠગાઈ, આંતરરાજ્ય ટોળકી ઝબ્બે
સોમનાથ આવેલા 11 યાત્રાળુઓ સાથે ઠગાઈ કરી હતી રાજસ્થાનનાં ગઢીમેવાતની ટોળકીએ દેશભરનાં જાણીતા યાત્રાધામો અને હોટલોનાં ફેક વેબ પેઈજ બનાવી 175થી વધુ યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી
રાજકોટ, : સોમનાથ મહાદેવ અને દેશભરમાં આવેલા જુદા જુદા યાત્રાધામો ઉ૫રાંત હોટલોનાં ફેક વેબ પેઈજ બનાવી તેમાં યાત્રાળુઓનાં બુકીંગ મેળવી નાણાં ચાઉ કરતી રાજસ્થાનનાં ગઢીમેવાત વિસ્તારની આંતરરાજય ગેંગનાં એક સભ્યને ગીર સોમનાથ પોલીસે ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગે દેશભરમાં 174 યાત્રાળુઓ સાથે 33.38લાખની છેતરપીંડી કર્યાની માહિતી બહાર આવી છે.
જયોર્તિલીંગ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહેશ્વરી, લીલાવતી અને સાગર દર્શન અતિથિ ગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ધર્મશાળાનાં ફેક વેબ પેઈજ બનાવી તેનાં મારફત યાત્રાળુઓ પાસેથી ઓનલાઈન બુકીંગ મેળવી, તેમનાં નાણાં ચાઉ કરી જવાતા હોવાની વ્યાપક ફરિયાદો ગીર સોમનાથ પોલીસને મળી હતી.
આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં ગુનો પણ દાખલ થયો હતો. સોમનાથ ટ્રસ્ટનાં અતિથિ ગૃહોનાં ફેક વેબ પેઈજ પર બુકીંગ કરનારા યાત્રાળુઓ જયારે સોમનાથ આવતાં ત્યારે તેમને છેતરાઈ ગયાની જાણ થતી હતી. નાણાં ગુમાવવાની સાથે રૂમ નહીં મળતાં પારાવાર હાલાકીનો પણ ભોગ બનવું પડતું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈ ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ તત્કાળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોને કામે લગાડી ઠગાઈ કરનાર ટોળકીને ઝડપી લેવાની સુચનાં આપી હતી. જેના પગલે એલસીબી પીઆઈ એ.એસ. ચાવડા અને એસઓજીનાં ઈન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ તપાસ આગળ ધપાવી હતી. તમામ પ્રકારનું ટેકનીકલ એનાલીલીસ, બીજા સ્ત્રોતોનો ઉપયોગ, ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટની માહિતી, ટ્રાન્ઝેકશન લોગ, કેવાયસી વગેરે એકઠાં કરતાં ફ્રોડમાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થતો હતો તે વલસાડનાં પિયુષ પટેલનાં નામે હોવાની માહિતી મળી હતી.
જેના આધારે વલસાડ જઈ પિયુષ પટેલની પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે પેન્સીલ બનાવવાના સાધનો બાબતે વેબસાઈટ પર સર્ચ કરતો હતો ત્યારે તેને એક લીન્ક મળી હતી. જેની ઉપર એક મોબાઈલ નંબર લખેલો હતો તે નંબર પર સંપર્ક કરતા સામાવાળાએ તેની સાથે છેતરપીંડી કરવા ઉપરાંત તેનાં નામનું બેંક એકાઉન્ટ ખોલાવી, તેનો દુરૂપયોગ કર્યો હતો. જેથી પોલીસે તે બેંક એકાઉન્ટને ફ્રીજ કરાવી દીધુ હતું.
પોલીસને વધુ તપાસમાં ભારતમાં આવેલા જાણીતા યાત્રાધામો અને હોટલોનાં ફેક વેબ પેઈજના ડોમેઈન ન્યુજર્સીથી બનાવાયાની માહિતી મળી હતી. આ રીતે બનાવાયેલા બે ફેક વેબ પેઈજ તત્કાળ પોલીસે ડિલીટ કરાવ્યા બાદ શંકાસ્પદ મોબાઈલ નંબરો અને આઈએમઈઆઈ નંબરોનું એનાલીસીસ કરતાં પોલીસને ઠગાઈ કરતી ટોળકી રાજસ્થાનનાં ડીગ જીલ્લાનાં સાયબર ક્રાઈમ માટે બદનામ ગઢીમેવાત ગામમાંથી ઓપરેટ કરતી હોવાની માહિતી મળી હતી.
પરિણામે ગીર સોમનાથ પોલીસે ખૂબ જ સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરી ગઢીમેવાત ગામમાંથી ટોળકીનાં સભ્ય રાશીદ સમસુને ઝડપી લીધો હતો. ગીર સોમનાથ પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ત્યાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણ પણ થયું હતું. આમ છતાં પોલીસે સુઝબુઝથી આરોપી રાશીદને ઝડપી લઈ તેની પાસેથી ઠગાઈમાં ઉપયોગમાં લીધેલો મોબાઈલ અને બીજુ સાહિત્ય કબ્જે કર્યા હતાં.
પ્રાથમિક તપાસમાં આરોપી રાશીદ અને મકસુદની ટોળકીએ એક માત્ર સોમનાથનાં વિવિધ અતિથીગૃહોનાં ફેક વેબ પેઈજ બનાવી 11 યાત્રાળુઓ સાથે 1,91,206ની અને દેશભરનાં જુદા - જુદા યાત્રાધામો અને હોટલનાં ફેક વેબ પેઈજ બનાવી અંદાજે 174 યાત્રાળુઓ સાથે 33.38 લાખની છેતરપીંડી કર્યાની માહિતી પોલીસને મળી છે. ઝડપાયેલા આરોપી રાશીદ અને તેનાં સાગરીતોએ દ્વારકાની અમુક હોટલોનાં પણ ફેક વેબ પેઈજ બનાવી બુકીંગ મેળવી, નાણાં ચાઉ કરી લીધાની માહિતી પોલીસને મળી છે.
રાજસ્થાનનું ગઢી મેવાત ગામ બીજું જામતાડા ઓનલાઈન ફ્રોડ કરતી અનેક ગેંગ કાર્યરત, ફિલ્મ પણ બની ચુકી છે ગઢીમેવાતમાં ગઠીયાને પકડવા જતા પોલીસને ગ્રામજનો સાથે ઘર્ષણ થયું
રાજસ્થાનનાં ભરતપુર જિલ્લાનાં ડીગ તાલુકાનું ગઢીમેવાત ગામ ઓનલાઈન ફ્રોડ માટેનો ગઢ છે અને તે બીજા જામતાડા તરીકે ઓળખાય છે. ગઢીમેવાત ગામનું નામ હવે ઓનલાઈન ફ્રોડનાં કારણે 'ચોર ગઢી' પડી ગયું છે. આ ગામમાં ઓનલાઈન ફ્રોડ કરતી અનેક ટોળકીઓ કાર્યરત છે. હાલમાં વિડીયો કોલમાં યુવતી નગન થઈ સામવાળાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, બ્લેકમેઈલીંગ કરી નાણાં પડાવે છે. આ ટોળકીઓ પણ ગઢીમેવાત ગામેથી ઓપરેટ કરે છે. આ ગામમાં રહેતા ગઠીયાઓને પકડવાનું કામ હંમેશા માટે પોલીસ માટે મુશ્કેલીભર્યું રહે છે. આજ કારણ છે કે ગીર સોમનાથ પોલીસને પણ જ્યારે ગઠીયા રાશીદને પકડવા ગઈ ત્યારે તેને ગ્રામજનો સાથે ઘર્ષણ થયું હતું. ગઢીમેવાતથી ઓપરેટ કરતી ટોળકીઓ મેવાતી ગેંગ તરીકે ઓળખાય છે. આ ટોળકીઓ ઉપર સાઉથમાં એક ફિલ્મ પણ બની ચુકી છે.