Get The App

જામનગરમાં એસ.ઓ.જી પોલીસની ઓળખ આપી કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનાર નકલી પોલીસને પકડી લેવાયો

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં એસ.ઓ.જી પોલીસની ઓળખ આપી કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનાર નકલી પોલીસને પકડી લેવાયો 1 - image


Jamnagar : જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લેવા અંગે નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ સલાયાના એક શખ્સને શોધી લેવાયો છે. જે હાલ જામનગરની જિલ્લા જેલમાં હોવાથી તેનો કબજો મેળવી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેની સામે અગાઉ પણ આવા પાંચ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.

જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના 19 વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે 1,57. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે. જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે, અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી. ફરીયાદી મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ નંબરના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તેમજ રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી નકલી પોલીસને શોધી કાઢ્યો હતો. જે આરોપી સલાયાનો રહેવાસી હોવાનું અને તેનું નામ સબીર હુસેન હારુન ભગાડ હોવાનું ધ્યાનમાં આવ્યો હતું. જે આરોપી હાલ જેલમાં હોવાથી પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો, અને તેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પોતે નકલી પોલીસ બનીને આવા અગાઉ પાંચેક ગુના ને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે જામનગરના સીટી એ, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાં પણ આવા અન્ય ત્રણ ગુના નકલી પોલીસ તરીકેના નોંધાઈ ચૂક્યા છે.

જે આરોપીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે થોડા દિવસો પહેલા અટકાયત કર્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. જેથી તેનો જેલમાંથી કબજો મેળવી લઇ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીના મોબાઈલ નંબરના આધારે પોલીસે તેની ઓળખ કરી લીધી હતી.

Tags :