જામનગરમાં નકલી પોલીસે વેપારી પાસેથી 1.57 લાખની રકમ પડાવી
- એસઓજીમાં રાઇટર તરીકેની ખોટી ઓળખ આપી
જામનગર : જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.કટલેરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
વેપારી યુવાનના મામા ડ્રગ્સના કેસમાં જેલમાં હોવાથી આ કેસમાંથી વેપારીનું નામ નહીં જોડવાનું કહી અજાણ્યા શખ્સે નકલી પોલીસ બની રકમ પડાવી
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે.કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરી નો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના ૧૯ વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે ૧,૫૭. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે એક મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા ૧૦ માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે.
જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે. અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી. ફરિયાદી વેપારી યુવાનનું પોતાના મામા સામેના કેસમાં નામ નહીં જોડવા અંગે ગુગલ પે મારફતે કટકે કટકે પૈસા માંગ્યા હતા .
જે રકમ આપી દીધા પછી પણ હજુ પૈસાની માંગણી કરાતા આખરે મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ નંબર ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જીમજ રામાનુજ તેમ જ ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. અને આરોપીના મોબાઈલ નંબરના આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ આ ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે.