જૂનાગઢનાં સુખપુર ગામે મુખ્ય સુત્રધારના કારખાનામાં જ નકલી નોટો છાપતા'તા !
જેતપુરનાં જાલીનોટ રેકેટમાં ત્રણે'ય શખ્સોના રિમાન્ડ મંજૂર જાલીનોટો છાપવાનું પ્રિન્ટર મશીન, તેની શાહી, કાગળો સહિતનો મુદ્દામાલ કબજે, હજુ વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા
જેતપુર, : રાજકોટ જિલ્લામાં આંગડીયા પેઢીમાં મોકલાતા રૂપિયામાં અસલી નોટોના બંડલમાં સિફતપૂર્વક જાલીનોટ ગોઠવીને બીજા શહેરમાં તેની સામે અસલી ચલણી નોટ મેળવવાના રેકેટનો ગઈકાલે જેતપુરમાં પર્દાફાશ થયો હતો, જેમાં આજે ત્રણેય આરોપીના પોલીસ રિમાન્ડ દરમ્યાન મોટો ખુલાસો થયો હતો. આ આરોપીઓ છેલ્લા પાંચ-છ મહિનાથી નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા અને જુનાગઢ ખાતે મુખ્ય સુત્રધારનાં કારખાનામાં જાલીનોટો છાપતા હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
જેતપુરના એમ.જી. રોડ પર આવેલી આર.પી. એન્ટરપ્રઈઝ નામની આંગડિયા પેઢીમાં 10 લાખનું આંગડિયુ કરનાર જેતપુરના કણકિયા પ્લોટમાં રહેતા રવી શામજી ડોબરિયાએ 500ની નોટના બંડલમાં જાલીનોટ ઘુસાડી દીધી હતી. જે બાબતે આંગડિયાના સંચાલક નિકેશભાઈ ચંદનાણીએ પોલીસને જાણ કરતા વોચ ગોઠવીને પ્રથમ રવિ ડોબરિયાને પકડયા બાદ પુછતાછના આધારે ધોરાજીના હિરાપરા વાડીમાં રહેતા તેના મિત્ર એવા મૂળ સુત્રધાર પ્રજ્ઞોશ ઉર્ફે પ્રીન્સ ઉર્ફે લાલુ દીનેશભાઈ ઠુંમર તથા મિત અંટાળાની ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ પુછતાછમાં અન્ય માહિતી બહાર આવી હતી.
ડીવાયએસપી રોહિત ડોડીયાના જણાવ્યા મુજબ, આજે વધુ પોલીસ તપાસમાં ખુલ્યું કે, ધોરાજીના હિરપરાવાડી વિસ્તારમાં રહેતા અને જૂનાગઢના સુખપર ગામે યોગી એક્ષપોર્ટ નામે સિંગદાણાનું કારખાનું ધરાવતો પ્રજ્ઞોશ દિનેશભાઈ ઠુંમર પોતે જ છેલ્લા પાંચ-છ મહિનાથી ત્યાં કલર પ્રિન્ટરમાં જાલીનોટો છાપતો હતો. જેના માટે ખાસ કાગળ વાપરતો હતો. તેમની પાસેથી પોલીસે જાલીનોટો છાપવાનું પ્રિન્ટર મશીન, તેની શાહી, કાગળો સહિતનો મુદામાલ કબજે લીધો છે. આ પ્રકરણમાં હજુ વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ હોવાથી પોલીસે એ દીશામાં પણ તપાસ વધુ તપાસ હાથ ધરી છે.