નવસારીમાંથી ઝડપાઈ 15 લાખની નકલી નોટો, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી
આરોપીઓ પેટ્રોલ પંપ કે હોટલ-સંચાલક પાસેથી અસલ 5 લાખ મેળવી 15 લાખની નકલી નોટો પધરાવતા
સુરત હેડક્વાર્ટર ખાતે નોકરી કરતો પોલીસ કોન્સ્ટેબલ ખુદ પિસ્તોલ રાખી સામે વાળાને ધમકાવતો
નવસારીઃ (Navsari)ગુજરાતમાં બનાવટી નોટોની હેરાફેરીના અનેક કિસ્સા સામે આવતાં હોય છે. (Fake notes of 15 lakh)ત્યારે એક પોલીસ કર્મી સાથે પાંચ ભેજાબાજો બનાવટી નોટ વટાવવા જતાં વાંસદા પોલીસના હાથે ઝડપાઈ ગયાં છે. ()આ ભેજાબાજો પેટ્રોલ પંપ કે હોટેલ સંચાલક પાસેથી પાંચ લાખની અસલી ચલણી નોટો મેળવી લઈને 15 લાખની નકલી નોટો પધરાવી દેતા હતાં. આ સમગ્ર કૌભાંડમાં એક પોલીસકર્મી બંદૂક બતાવીને પેટ્રોલ પંપ કે હોટેલ સંચાલકોને ધમકાવતો હોવાની વિગતો પણ ખુલી છે.
વાંસદા પોલીસને મળેલી બાતમી પ્રમાણે સુરતથી અનાવલ થઈને બે ગાડીઓમાં કેટલાક શખ્સો 500ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો લઈને વાંસદા તરફ આવી રહ્યાં છે. બાતમીને આધારે વાંસદા પોલસે નાકાબંધી કરી નાંખી હતી. ત્યાં બાતમી વાળી બે ગાડીઓ આવતાં તેમને અટકાવીને તપાસ કરતાં પાંચ આરોપીઓ પાસેથી 500ના દરની નકલી 2994 નોટો મળી આવી હતી. આરોપીઓ જે પણ ગ્રાહકને બનાવટી નોટ આપવાની હોય તેને પહેલાં ચકાસવા માટે અસલી નોટ આપતા હતાં. આ કૌભાંડમાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે સુરત હેડક્વાર્ટર ખાતે નોકરી કરે છે. જે હાલ આસારામ કેસમાં મહિલા સાક્ષીના હથિયારી સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.
આરોપીઓ ડુપ્લીકેટ નોટને ઓનલાઈન મંગાવતા હતા કે પ્રિન્ટર પર છાપતા તેની તપાસ રિમાન્ડ દરમિયાન થશે.આરોપીઓ ખાસ કરીને પેટ્રોલ પંપ કે, હોટલ પર જઈને સંચાલકને વાતોમાં ભેળવી 15 લાખની સામે પાંચ લાખ અસલ મેળવવાની વાત કરતા હતા. જેમાં ડીલ ચાલતી હોય ત્યારે સુરતનો પોલીસ કોન્સ્ટેબલ આવતો જેથી ગભરાટ જેવો માહોલ ઉભો કરવામાં આવતો. જેમાં સંચાલકો મોટાભાગે પોલીસના ડરથી 15 લાખ ગણવાનું માંડી વાળી અસલ પાંચ લાખ આપી મામલો રફેદફે કરી નાખતા હતા. કેટલાક કિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે સરકારી પિસ્તોલ બતાવી સંચાલકોને ડરાવતો પણ હતો.