ગુજરાતમાં હવે નકલી મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ, દુકાનમાં ચાલતી હતી બોગસ સંસ્થા
Fake Medical Institute In Surat: સુરતના પુણા પાટીયા નજીક કોમ્પ્લેક્સમાં 12 બાય 20ના રૂમમાં નર્સિંગ તેમજ એક્સ-રે ટેકનિશિયન કોર્સ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા તપાસ કરતા પેરામેડિકલ કાઉન્સીલમાં આવી કોઈ સંસ્થા નોંધાઈ નહીં હોવાથી બોગસ હોવાના આક્ષેપ થતા વધુ એક નકલી સંસ્થાનો ઉમેરો થયો હતો.
વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 80 હજાર ફી લેવામાં આવતી
સુરતના પુણા વિસ્તારેમાં લા સિટાડેલ કોમ્પ્લેક્સમાં એક રૂમમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું હતું. 12 બાય 20ના રૂમમાં નર્સિંગ કોર્સ, ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી (DMLT), સીટી સ્કેન જેવા ટેકનિશિયન કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા. વિદ્યાર્થીઓમાંથી ફરિયાદો મળી હતી કે આ સંસ્થા દ્વારા ડોક્યુમેન્ટ લીધા પછી પરત આપવામાં આવ્યા નથી અને એક વિદ્યાર્થીઓ દીઠ 80 હજાર રૂપિયા જેટલી ફી લેવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસના આગેવાનોને આ અંગેની ફરિયાદ મળતા સ્થળ પર જઈને તપાસ કરી હતી.તપાસમાં સામે આવ્યું કે,15થી 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેટલી બેન્ચ મુકવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેંગ્લોર જવુ પડે છે.
આ પણ વાંચો: સુરત-વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બદલીનો ઓર્ડર લેવા જઇ રહેલા બે GEB કર્મચારીના મોત
યુથ કોંગ્રેસે યોગ્ય પગલાં લેવા માંગ કરી
યુથ કોંગ્રેસના આગેવાનોએ પેરામેડિકલ કાઉન્સીલ ગુજરાતની હેલ્પ લાઈન નંબર પર ફોન કરતા ત્યાંથી આવી કોઈ માન્ય સંસ્થા નહીં હોવાનું જણવા મળ્યું હતું. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આ સંસ્થા બોગસ હોવાનું જણાવ્યું હતું. આ ભોગસ સંસ્થા સામે કાયદેસની કાર્યવાહી કરવાની તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ના બને એ દિશામાં સરકારે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.