ડુપ્લિકેટની સિઝન: પાટણમાંથી શંકાસ્પદ અને કડીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો, ઘી બનાવવાનો સામાન જપ્ત
Representative image |
Fake Ghee: ગુજરાતમાં તહેવારો ટાણે ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ શંકાસ્પદ ઘીની તપાસ માટે 11 નમૂના લેવામાં આવ્યા છે. જો કે, આ ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ ઉપરાંત કડીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.
વેપારીઓમાં ફફડાટ
મળતી માહિતી અનુસાર, પાટણ ઘી બજારમાં શનિવારે (12મી ઓક્ટોબર) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીનું વેચાણ કરતા નીતિન ભાઈલાલ ઘી વાળાને ત્યા દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના 11 સેમ્પલ લઇ 14 લાખનો ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી સેમ્પલ પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
કડીમાં નકલી ઘીનો કાળો કારોબાર
કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી,4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કરીને વધુ તપાલ હાથી ધરી છે.
અગાઉ રાજકોટના મેટોડા GIDCમાંથી મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયાનો મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક અસરથી ડેરીઓમાંથી સેમ્પલ લેવાના આદેશ કરવામા આવ્યા, જે બાદ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ધીના સેમ્પલ લીધા. વાણિયાવાડી વિસ્તારમાં સીતારામ વિજય પટેલ ડેરીમાં દરોડા પાડતા છાશમાંથી મલાઈ કાઢી બનાવેલા ઘી 1 કિલોના 800 રૂપિયા, ગાયનાં ઘીના 1 કિલોના 640 રૂપિયા, ભેંસના ઘીના 1 કિલોના 580 રૂપિયામાં વેચતા હોવાનુ સામે આવ્યું. તેમજ અલગ અલગ મીઠાઈમાં પણ કલરનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું.
સુરતમાં સુમુલ ડેરી બ્રાન્ડના નામનો દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળું ડપ્લિકેટ ઘીનું વેચાણ કરતા બે પ્રાઇમ સ્ટોરમાં પાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નકલી ઘીનું વેચાણ કરતા પોલીસે 30 વર્ષીય હરિરામ ચૌધરીની ધરપકડ કરી છે.