ટંકારામાં નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી પર દરોડો, 2ની ધરપકડ
રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે બ્રાન્ડેડ ઓઇલની બોટલોમાં લૂઝ ઓઇલ નાખી વેચાણ કરતા હતા : કુલ રૂ. 23 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ, : ટંકારા નજીકના લજાઇ ગામમાંથી એસએમસીએ ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ફેક્ટરી ઝડપી પાડી તેના બંને ભાગીદારોની ધરપકડ કરી છે. ફેક્ટરીમાંથી એસએમસીએ કુલ રૂ. 17.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. છેલ્લા ચારેક માસથી આ ફેક્ટરીમાં ચારેક બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ એન્જિન ઓઇલનું પેકિંગ કરી વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યમાં હાલ નકલીની બોલબાલા વધી ગઇ છે. આ સ્થિતિમાં હવે નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી પકડાતા ચર્ચા જાગી છે. એસએમસીને એવી માહિતી મળી હતી કે ટંકારાના લજાઇ ગામની સીમમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં નકલી એન્જિન ઓઇલની ફેક્ટરી ધમધમે છે. જેના આધારે પીએસઆઈ એ.વી. પટેલે સ્ટાફના માણસો સાથે દરોડો પાડયો હતો.
ફેક્ટરીમાંથી 21,488 લીટર ડુપ્લીકેટ એન્જિન ઓઇલ મળી આવ્યું હતું. એસએમસીએ તેની કિંમત રૂ. 17.19 લાખ ગણી હતી. આ ઉપરાંત બે મોબાઇલ, એક વાહન, રોકડા રૂ. 5,200 3 પ્રિન્ટિંગ મશીન, મોટર, બલ્ટ મશીન, ઇલેક્ટ્રીક વજન કાંટો, સિલીંગ મશીન, ઓઇલ ફિલીંગ મશીન, બોટલ સિલીંગ મશીન, ઓઇલ બેરલો વગેરે મળી કુલ રૂ. 23.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ફેક્ટરીમાંથી જ તેના બે ભાગીદાર મેહુલ નરેન્દ્ર ઠક્કર (રહે. 102-શિવ હેરીટેજ, ગોકુલધામ સોસાયટી, મોરબી) અને અરૂણ ગણેશભાઈ કુંડારિયા (રહે. મોરબી રવાપર રોડ, સંકલ્પ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 104)ની ધરપકડ કરી હતી.
એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું કે આ સ્થળે છેલ્લા ચારેક માસથી ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ફેક્ટરી ચાલુ હોવાની માહિતી મળી છે. ફેક્ટરીમાં મેક્સ, સર્વો, ગલ્ફ અને હિરો સહિતની ચાર બ્રાન્ડનું ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવાતું હતું. આરોપીઓ મોટા બેરલમાં લૂઝ ઓઇલ લઇ આવી બ્રાન્ડેડ ઓઇલના 900 એમએલના ડબ્બામાં પેક કરી તેનું વેચાણ કરતા હતા. બંને આરોપીઓ ડુપ્લીકેટ એન્જિન ઓઇલ ક્યા વિસ્તારમાં અને ક્યા-ક્યા વેપારીઓને સપ્લાય કરતા હતા, તે બાબતે હવે તપાસ કરાશે. ટંકારા પોલીસને ઉંઘતી રાખી એસએમસીએ આ કાર્યવાહી કરી હતી. જે અંગે ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે.