Get The App

ગુજરાતમાં નકલીની બોલબાલા: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વિનાના દર્દીઓને તપાસતાં

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં નકલીની બોલબાલા: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વિનાના દર્દીઓને તપાસતાં 1 - image


Fake Doctors In Gujarat: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નકલી ડૉક્ટરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નકલી ડૉક્ટરો ડિગ્રી કે લાયકાત વિના દર્દીની સારવાર કરી તેનો જીવ જોખમમાં મૂકે છે. બીમાર વ્યક્તિ પૂરી શ્રદ્ધા સાથે ડૉક્ટર પાસે જતો હોય છે પરંતુ જ્યારે તેની સારવાર કરનાર ડૉક્ટર નકલી છે એવી ખબર પડે તો તેના માથે જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે. નકલી ડૉક્ટરોની બોલબાલા વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં નવ જેટલા નકલી ડૉક્ટરો ઝડપાયા છે. 

મોરબીના અલગ અલગ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાવવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. મોરબીના ટંકારા, હળવદ અને સુંદરી ભવાની, રાયસંગપર, રણમલપુર, ચંદ્રગઢ(લીલાપર) અને ઢવાણાથી નકલી ડૉક્ટરોને ઝડપી પાડી આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી છે. 

ગુજરાતમાં નકલી ડૉક્ટર પકડાવવાના કિસ્સા

જાન્યુઆરી 2024: 17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો. 43 વર્ષ બાદ તેની કરતૂત સામે આવતાં અમદાવાદની કોર્ટે 3 વર્ષની કેદ-રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

જાન્યુઆરી 2024 : પોરબંદરના રાણા વાડોત્રા મુખ્ય બજાર પાસે વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા (ઉ.વ.51) (રહે, વાડોત્રા ગામ, મેઇનબજાર પાસે તા. રાણાવાવ, જિ. પોરબંદર મૂળ ગામ રાણાવાવ હોળી ચકલા જિ. પોરબંદર) કોઈપણ જાતની લાયકાત વગર ડૉક્ટર તરીકે મેડિકલ પ્રેકટિસ કરી દવાઓ આપે છે જેથી તેના કબ્જામાંથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઇન્જેકશનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 61,256 મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાન્યુઆરી 2024 : પોરબંદરના બગવદર ગામે એક વૃક્ષની નીચે પ્રેક્ટિસ શરુ કરી છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ બોગસ ડૉક્ટરને પકડીને ગુનો નોંધ્યો હતો. તેની પાસેથી કાર, ઇન્જેક્શનો અને મેડિકલના સાધનો મળી કુલ રૂ. ૭૬૫૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી 2024 : લાલપુર તાલુકાના મેઘપર ગામની પતરા માર્કેટમાં તબીબી ડિગ્રી નહીં હોવા છતાં એક શખ્સ ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાની માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસની ટુકડીએ દરોડો પાડ્યો હતો અને મૂળ પશ્ચિમ બંગાળના અવિજીત અધીરભાઈ વિશ્વાસને ઝડપી પાડ્યો હતો. તે લોકોને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી મળી આવી ન હતી. આથી પોલીસે તેની અટકાયત કરી દવાખાનામાંથી બીપી માપવાનું મશીન, સ્ટેથોસ્કૉપ, દવાની ગોળીઓ વગેરે મળી રૂ. 3696ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની સામે મેડિકલ પ્રેક્ટિશનેર ઍક્ટની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો.

ગુજરાતમાં નકલીની બોલબાલા: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વિનાના દર્દીઓને તપાસતાં 2 - image

માર્ચ 2024: કેશોદની હૉસ્પિટલમાં નકલી ગાયનેક ઝડપાયો હતો. એક મહિલાના પેટની કોથળીનું કાઢવાનું ઓપરેશન કરવા જતાં યુરિનની કોથળીમાં ભૂલથી ટાંકા લઈ લેતાં તેનું કૌભાંડ સામે આવ્યું હતું.

માર્ચ 2024  : નવસારી એસ.ઓ.જી પોલીસે બાતમીને આધારે ચીખલી તાલુકાના સિયાદા ગામેથી પ્રમુખ નગરમાં ચાલતાં શ્રીજી ક્લિનિક ચલાવતા મહારાષ્ટ્રના ઝોલા છાપ ડૉક્ટરને મેડિકલ પ્રેક્ટિસ કરતાં ઝડપી પડ્યો હતો. પોલીસે કુલ કુલ રૂ 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી છેલ્લા પાંચ વર્ષથી દવાખાનું ચલાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.

એપ્રિલ 2024 : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અને જીઆઇડીસી પંથકમાં આવેલ દધેડા ગામે મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતાં બોગસ તબીબને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે એલોપેથી દવાઓ અને તબીબી સાધનો સાથે ઝડપી લીધો હતો. દધેડા ગામે બનમાલી રોય ડેબધુલાલ રોય નામનો મૂળ પશ્ચિમ બંગાળનો રહીશ દુકાન ભાડે રાખીને દવાખાનું ચલાવતો હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં જઈને તપાસ કરતાં અમરજીત ક્લિનિક નામે ચાલતાં ક્લિનિકમાં બેસેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ બનમાલી રોય ડેબધુલાલ રોય(મૂળ રહે.પશ્ચિમ બંગાળ)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે ડૉક્ટરની મેડિકલની ડિગ્રી માગતાં તેણે ગલ્લાતલ્લા કરવા માંડયા હતા. જેથી પોલીસને આ શખ્સ કોઈ મેડિકલ પ્રમાણપત્ર વિના ગેરકાયદે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનો આપીને લોકોની સારવાર કરી દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાનું સામે આવ્યું હતું. 

મે 2024 : જામનગરમાં મોરકંડા રોડ પર સનસિટી વિસ્તારમાં એક બોગસ તબીબ દ્વારા ઓરડીમાં ગેરકાયદે દવાખાનું ચલાવાતું હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી ડિગ્રી વગરના એક બોગસ તબીબને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી જરૂરી દવા સહિતની સામગ્રી કબજે કરી લીધી હતી.

મે 2024 : જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બોગસ તબીબની અટકાયત કરી લીધી હતી, અને તેના દવાખાનામાંથી જરૂરી દવાઓ વગેરેનો જથ્થો કબજે કરી લીધો હતો.

જુલાઇ 2024: અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે નકલી ડૉક્ટર મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલ ચલાવતા ઝડપાયો. હૉસ્પિટલમાં દરોડો પડયો ત્યારે 5 દર્દી દાખલ હતા.

જુલાઇ 2024: રાજકોટ નજીકના ગામે દરોડો પાડી ધોરણ 8 પાસ નકલી ડૉક્ટરને ઝડપી લઈ તેની પાસેથી દવા અને સાધનો મળી કુલ રૂ.10 હજારની મત્તા કબજે કરાઈ હતી. તેની પૂછતાછ કરતાં તે ગામના લોકોને સારવાર આપતો હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

ઓગસ્ટ 2024 : સુરત સિટી પોલીસના એસઓજી દ્વારા પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં દરોડા પાડી મુન્નાભાઈ એમ.બી.બી.એસ. એટલે કે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા 16 બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા. ઇન્જેક્શન, સીરપ અને દવા મળી કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઓગસ્ટ 2024 : ભુજ તાલુકાના ઝુરા ગામમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ડિગ્રી વીના ચાલતી હૉસ્પિટલ અને મેડિકલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં છેલ્લા 15 વર્ષથી સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા હાસમશા હયાતશા સૈયદ નામના બોગસ ડૉક્ટર અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ દ્વારા મેડિકલ સ્ટોર ચલાવતાં પિતરાઈ ભાઈ એવા કચ્છ જિલ્લામાં કોગ્રસ હેલ્થ ઍન્ડ હૉસ્પિટલ કમિટીના પ્રમુખ સૈયદ હબીબશા અબ્દુલ રસુલશાની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

સપ્ટેમ્બર 2024: જૂનાગઢ ખાતે ધોરણ 12 પાસ યુવાન ડિગ્રી વગર ડૉક્ટર બન્યો. દુકાનમાં દવાખાનું ખોલીને દર્દીને ચકાસતો. એલસીબની તપાસમાં એન્ટિબાયોટિક્સ સહિતની દવાઓ પણ મળી આવી.

સપ્ટેમ્બર 2024 : ગાંધીધામનાં મીઠીરોહારમાં ખાનગી પાર્કિંગ પાસે પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે ડૉકટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડાં કરતાં નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો.

સપ્ટેમ્બર 2024 : અમદાવાદના સાત ઝોનમાં માન્ય ડિગ્રી વગર પ્રેકટિસ કરતાં દસ બોગસ તબીબના કલીનીક મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સીલ કરાયા હતા. દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથીક ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવતી હતી.

સપ્ટેમ્બર 2024 : ગઢડાના ગોરડકા ગામે રહેતો અતુલ વજુભાઈ ઓતરાદી નામનો શખ્સ વાવડી ગામે માંડવધાર રોડ પર રાજુભાઈ ભરવાડના મકાનની દુકાનમાં કોઈપણ જાતની ડિગ્રી વિના પોતે તબીબ હોવાની ઓળખ આપી પ્રાયવેટ દવાખાનું ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે બોટાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપની ટીમે દરોડો પાડતાં અતુલ ઓતરાદીને ઝડપી લઈ ક્લિનિકમાંથી દવાની ટીકડીઓ, બાટલા, સિરીજ, નિડલ, બીપી મીટર, રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ શખ્સ સામે ગઢડા પોલીસમાં બીએનએસની કલમ 319, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર ઍક્ટ-1963ની કલમ 30 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

ઓક્ટોબર 2024: જેતપુરમાં વિજય ભાડેલિયા ડિગ્રી નહીં હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતાં ઝડપાયો, કિલનિકમાંથી રૂપિયા 27 હજારના મેડિકલ સાધનો જપ્ત કરાયા હતા.

ઓક્ટોબર 2024 : જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાંથી તંત્ર દ્વારા બોગસ ડૉકટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. લોકોના જીવને જોખમે ચડાવીને ડિગ્રી વગર બેફામ મેડિકલ પ્રેક્ટિસ કરતાં 54 વર્ષીય આધેડને મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ શરુ કરી હતી.

નવેમ્બર 2024 : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા હતા. જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ સૌપ્રથમ બનાવટી તબીબોના સંદર્ભમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને રામદૂત નગર વિસ્તારમાંથી પ્રોવાસ નિત્યાનંદ બિશ્વાસ નામના એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો. જેના દવાખાનામાં મેડિકલની ડિગ્રી અંગે તપાસ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓને તપાસી તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. આથી તેની અટકાયત કરી લઈ, તેના દવાખાનામાંથી જુદી-જુદી દવાઓ અને તેને લગતાં સાધનો કબજે કરી લીધા હતા અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ ઍક્ટ 1963ની કલમ 30 તથા બી.એન.એસ. કલમ 125 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2024 : ડિસેમ્બર મહિનાની શરુઆતમાં સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

ડિસેમ્બર 2024 : ગાંધીધામના પીએસએલ કાર્ગો ઝુપડાં ખાતે ફાટી નીકળેલા બોગસ તબીબોના રાફડા વચ્ચે ફરી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે યુપીના શખ્સને બોગસ રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં ઝડપી લીધો હતો. બોગસ ડૉક્ટરોની પાંચ-છ ક્લિનિક આ વિસ્તારમાં ધમધમતી હોવા છતાં માત્ર એક જ બોગસ ડૉક્ટર પર કાર્યવાહી કરવામાં આવતા પોલીસની કામગીરી પ્રત્યે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. 

ડીસેમ્બર 2024 : અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું નકલી તબીબે ઘરે આવી ઓપરેશન કર્યું અને 6 લાખ રૂપિયા ખંખેરી લીધા. સમગ્ર બાબતમાં વૃદ્ધના પૈસા પણ ગયા અને પગની તકલીફ પણ જેમની તેમ રહી. હાલ, વૃદ્ધે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે.



Google NewsGoogle News