રાજકોટમાં 15 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ગિરફ્તાર
નકલી ડોક્ટરને પકડવા અસલી પોલીસમેન નકલી દર્દી બનીને ગયા આરટીઓ પાછળ મકાનમાં એસઓજીનો દરોડો, ઈન્જેક્શન, દવા સહિત મુદ્દામાલ જપ્ત, આરોપી હરેશ મારૂ મૂળ આંકોલવાડી તાલાલાનો વતની
રાજકોટ, : રાજકોટમાં આશરે પંદર વર્ષથી કોઈ માન્ય ડીગ્રી નહીં હોવા છતાં તબીબી પ્રેક્ટીસનો ધંધો કરતા હરેશ સવજીભાઈ મારૂ વાણંદ (ઉ.૫૮ રહે. શ્રી રામ સોસાયટી શેરી નં.1, મકાન નં.10-A, આર.ટી.ઓ.પાછળ રાજકોટ) નામના નકલી ડોક્ટરને શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી) પોલીસ દ્વારા ઝડપી લેવાયો છે.
આ અંગે એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એમ.જાડેજાએ જણાવ્યા મૂજબ આરોપી મૂળ ગીરસોમનાથ જિ.ના તાલાલા તાલુકાના આંકોલવાડીનો વતની છે અને વર્ષોથી રહેણાંક મકાનમાં બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરીને કમાણી કરતો હતો. આરોપીના મકાનમાંથી એલોપથીની દવાઓ, ઈન્જેક્શન, હોસ્પિટલના સાધનો વગેરે રૂ।.૧૭,૧૫૩નો મુદ્દામાલ કબજે કરાયો છે અને તેણે બિહારનું કોઈ યુનાની પથીનું સર્ટિ.રજૂ કર્યું તે ક્યાંથી કઈ રીતે મેળવ્યું તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસમેનો કિશોરભાઈ ધુંધલ અને અમિતકુમાર ટુંડિયાની માહિતીના આધારે પોલીસે વધુ એક નકલી તબીબને પકડવામાં સફળતા મળી છે. આ પહેલા પોલીસે મવડી વિસ્તારમાં ગર્ભ પરીક્ષણ કરતા એક ડોક્ટરને પણ આગવી ઢબે પૂર્વ તૈયારી કરીને ઝડપી લીધેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી પોલીસ દ્વારા આવા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરાય છે તે જાણીને નાગરિકમાંથી ફરિયાદ મળી હતી જે માહિતી અન્વયે એસ.ઓ.જી.ના પોલીસમેન દર્દી બનીને આ ડોક્ટર પાસે ગયા હતા અને તાવ-તોડ થાય છે તેવી ફરિયાદ કરતા આ નકલી ડોક્ટરે રૂ।.100 ફીના માંગીને ઈન્જેક્શન આપવું પડશે તેમ જણાવ્યું હતું. પોલીસમેને અત્યારે દવા આપો, ઈન્જેક્શન પછી રાખીએ તેમ કહીને બાદમાં પોલીસે ત્રાટકીને આ નકલી ડોક્ટરને કાયદાનું ઈન્જેક્શન લગાવી દીધું હતું.