વૃધ્ધાની સારવારનાં બહાને નકલી ડોક્ટર દ્વારા 6 લાખની છેતરપિંડી
રાજકોટમાં વિચિત્ર કિસ્સો બહાર આવ્યો : નકલી ડોક્ટર અને તેના વિશે ભલામણ કરનાર તેના 2 એજન્ટ મનાતા શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટ, : રાજકોટમાં રહેતા વૃધ્ધાના ઘુંટણની સારવારના બહાને મુંબઈનાં કહેવાતા નકલી ડોકટરે રૂા. 6 લાખ પડાવી લીધાનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જે અંગે રાજકોટ તાલુકા પોલીસે કહેવાતા નકલી ડોકટર અને તેના એજન્ટ મનાતા બે શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ જારી રાખી છે.
કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ આર.કે. પાર્કમાં રહેતા સવજીભાઈ હરીભાઈ પટેલ (ઉ.વ. 70) ક્રિષ્ટલ મોલમાં સોફ્ટવેરને લગતા કામની ઓફીસ ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે, ગઈ તા. 24 નવેમ્બરનાં રોજ પત્ની ગૌરીબેન અને ડ્રાયવર દિપક ચૌહાણ સાથે કાર લઈ વાપી જવા નિકળ્યા હતાં. રસ્તામાં વડોદરા નજીક હોટલમાં જમવા રોકાયા હતાં. જમીને હોટલમાંથી બહાર નિકળતા હતા ત્યારે તેના પત્ની ઘુંટણમાં છેલ્લા ત્રણેક વર્ષથી દુખાવો હોવાથી તકલીફ સાથે ચાલતા હતાં. તે વખતે અજાણ્યો શખ્સ આવ્યો હતો, જેણે પોતાની ઓળખ મહેશ્વરી તરીકે આપી કહ્યું કે, સાહેબ બહેનને ચાલવામાં તકલીફ છે? તેની સામે તેણે કહ્યું હા બે - ત્રણ વર્ષથી દુઃખાવો થતો હોવાથી તકલીફ પડે છે. તે સાથે જ તે શખ્સે કહ્યું કે, મુંબઈ ખાતે ડો. જરીવાલા સાહેબ છે, જે આવા પગનાં દુઃખાવાના ઉપચાર કરે છે, મારા બહેન અને માતાનો પણ ઉપચાર કરાવતા 100 ટકા સારૂ થઈ ગયું હતું. બાદમાં ડો. જરીવાલાનું વિઝિટીંગ કાર્ડ તેના ડ્રાયવરનાં વોટસએપમાં મોકલી આપ્યું હતું.
ત્યાર પછી ત્યાંથી વાપી જતા રહ્યાં હતાં. તા. 27 નવેમ્બરનાં રોજ વાપીથી રાજકોટ આવવા નિકળ્યા હતાં. તે વખતે ભરૂચ નજીક હોટલમાં નાસ્તો કરવા રોકાયા હતાં. નાસ્તોે કરી હોટલની બહાર નિકળ્યા ત્યારે ફરીથી તેના પત્ની પગમાં તકલીફ સાથે જ ચાલતા હતાં. જે જોઈ ફરીથી એક શખ્સ તેની પાસે આવ્યો હતો. જેણે પોતાની ઓળખ સંજય અગ્રવાલ તરીકે આપી કહ્યું કે, મુંબઈમાં ડો. જરીવાલા સાહેબ છે, જે આવા પગનાં દુઃખાવાનો ઉપચાર કરી આપે છે, અમારા સંબંધીમાંથી પણ બે-ત્રણ લોકોએ સારવાર કરાવી છે, તેઓનો 100 ટકા સારૂ થઈ ગયું છે. બાદમાં ડો. જરીવાલાનો મોબાઈલ નંબર આપ્યો હતો.
તે વખતે સાથે હોમીયોપેથ ડો. એવી પુત્રી જયશ્રીબેન પણ હતાં. જેણે રસ્તામાંથી ડો. જરીવાલાને કોલ કરી વાતચીત કરી હતી. રાજકોટ આવી ગયા બાદ ગઈ તા. 30 નવેમ્બરનાં રોજ ડો. જરીવાલાએ તેની પુત્રીને કોલ કરી કહ્યું કે, હું તમારા માતાના ઘુંટણનાં દુઃખાવાના ઈલાજ માટે આવતીકાલે આવીશ. બાદમાં સરનામું પુછી બીજે દીવસે ડો. જરીવાલા તેના ઘરે આવ્યા હતાં. આવીને તેની પત્ની સાથે ઘુંટણનાં દુઃખાવા બાબતે વાતચીત કર્યા બાદ કહ્યું કે, ઘુંટણમાં રસી થઈ ગઈ છે, જે બહાર કાઢવી પડશે, રસીનું એક ટીપુ કાઢવાનાં રૂા. ૮ હજાર થશે. જેથી તેણે કેટલા ટીપા નીકળશે તેમ પુછતાં ડો. જરીવાલાએ અંદાજે ૧૫થી ૨૦ ટીપાનું જણાવ્યું હતું. તેણે સારવાર કરવાની હા પાડતા એક ઈંજેકશન અને પાઈપ વડે એકાદ કલાકમાં અંદાજે ૮૦ જેટલા રસીનાં ટીપા કાઢ્યા હતાં. એક ટીપાનાં રૂા. ૮ હજાર લેખે રૂા. ૬.૪૦ લાખની માંગણી કરી હતી. થોડું વ્યાજબી કરવાનું કહેતા રૂા. ૬ લાખ લેવા તૈયાર થઈ જતાં રૂા. 2 લાખ રોકડા આપી દીધા હતાં. બાકીનાં રૂા. 4 લાખ બીજા દિવસે બેંકમાંથી ટ્રાન્સફર કરી આપ્યા હતાં.
સારવાર લીધા બાદ તેના પત્નીને થોડા દિવસ સારૂ રહ્યું હતું. બાદમાં ફરીથી દુઃખાવો શરૂ થતાં ડો. જરીવાલાનો મોબાઈલ પર સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ મળ્યો હતો. અન્ય જે બે શખ્સોએ ભલામણ કરી હતી. તેમનાં મોબાઈલ પણ સ્વીચ ઓફ મળતા છેતરાઈ ગયાનું સમજી ગયા હતાં. આખરે તેણે ડો. જરીવાલાના વિઝિટીંગ કાર્ડમાં દર્શાવેલા સરનામે તપાસ કરતા ત્યાં આવા કોઈ ડોકટર નહીં હોવાનું જાણવા મળતા ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદી સવજીભાઈએ જણાવ્યું કે, જે બે શખ્સોએ ડો. જરીવાલાની ભલામણ કરી હતી તે બન્ને તેના એજન્ટો હોવાનું જણાય છે. વધુ તપાસમાં આ રીતે વાપી અને દમણમાં પણ છેતરપીંડી થયાની માહિતી મળતા ફરીયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.