રાજકોટના ત્રંબા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો,મેડિકલનાં સાધનો,દવા જપ્ત
કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો અને પછી ડોક્ટર બની પ્રેક્ટીસ
શરુ કરી
ક્લિનિક ખોલીને રોજ પચીસ- ત્રીસ દર્દીઓને દવા પણ આપી દેતો
હતો, ગ્રામ્ય
અને પછાત વિસ્તારમાં આવા અનેક તબીબોની શક્યતા
રાજકોટ : એક તરફ ખાનગી હોસ્પિટલોમાં બેફામ ચાર્જ વસુલાય છે અને ખ્યાતિ જેવી કુખ્યાત હોસ્પિટલોના કાંડ જાહેર થયા છે ત્યારે બીજી તરફ અંતરિયાળ,ગ્રામ્ય વિસ્તારમા કોઈ ડીગ્રી વગર ડોક્ટરનો ધંધો શરુ કરી દેવાતો હોય છે. આજે રાજકોટના ભાવનગર રોડ પર ત્રંબા ગામ ખાતે કોઈ પણ જાતની તબીબીની ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપી જીગર વલ્લભભાઈ મોલિયા (ઉ.વ.૪૧, રહે.કોઠારીયા કોલોની, સોરઠીયાવાડી સર્કલ પાસે, મ મૂળ રહે.મહીકા તા.રાજકોટ)ને આજી ડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી લીધો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે ત્રંબા ગામની મેઈનબજારમાં, રામજી મંદિરના
ચોરા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં આરોપી જીગર મોલીયા ગેરકાયદે ક્લીનીક
ખોલીને દર્દીઓ પાસેથી પૈસા લઈ સારવાર કરતો હોવાનું ખુલ્યું છે. આ અંગે વધુમાં
પી.એસ.આઈ.જનકસિંહ રાણાએ જણાવ્યું કે આરોપી અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર
તરીકે નોકરી કરતો હતો અને તે અનુભવનો ગેરલાભ લઈને તેણે પોતે જ ડોક્ટર બનીને પ્રેક્ટીસ
શરુ કરી હતી. રોજ સવાર-સાંજ મળીને પચીસ-ત્રીસ દર્દીઓને શરદી,તાવ,ઝાડાઉલ્ટી જેવા
રોગોની દવા આપતો હોવાનું જાણવા મળ્યું છે અને વધુ તપાસ થઈ રહી છે.
આજી ડેમ પી.આઈ. એ.બી.જાડેજાએ જણાવ્યા પ્રમાણે આરોપી જાહેર
જનતા સાથે ચેડાં કરતા પકડાયો હોય તેના વિરુધ્ધ બી.એન.એસ.ની ક.૩૧૯ હેઠળ ગુનો નોંધી
ધરપકડ કરાઈ છે અને તેની પાસેથી મેડીકલના સાધનો તથા એલોપથીક દવાઓ તેમજ રૃ।.૧૨,૬૨૦ રોકડા કબજે
કરાયા છે જે અંગે વધુ તપાસ થઈ રહી છે.
રાજકોટમાં હોસ્પિટલો અને તબીબોનો રાફડો ફાટયો છે પરંતુ, તેમની ડિગ્રી, કામગીરી, દર્દી પાસેથી
લેવાતા પૈસા વગેરે મુદ્દે તંત્રો દ્વારા નિયમિત ચેકીંગ કરાતું નથી જે વર્તમાન
સમયમાં જરૃરી છે.