નોકરી, સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો

આર્મી યુનિફોર્મ અને આર્મી બોગસ નંબર પ્લેટ લગાડી ફરતો હતો : દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.12.75 લાખની ઠગાઈ

સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો હિમાંશુ રાય અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીનો ડ્રાઈવર હતો, નોકરી છૂટયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવ્યા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
નોકરી, સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો 1 - image


- આર્મી યુનિફોર્મ અને આર્મી બોગસ નંબર પ્લેટ લગાડી ફરતો હતો : દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.12.75 લાખની ઠગાઈ

- સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો હિમાંશુ રાય અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીનો ડ્રાઈવર હતો, નોકરી છૂટયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવ્યા

સુરત, : સુરતના કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.12.75 લાખની ઠગાઈ કરનાર નકલી કસ્ટમ અધિકારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આર્મીની નંબર પ્લેટ સાથેની કાર સાથે ઝડપી લીધો હતો.સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો ભેજાબાજ અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.જોકે, તે નોકરી છૂટી ગયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનાવી પહેલા તેણે ગોવામાં ઠગાઈ કરી હતી અને બાદમાં તે સુરત રહેવા આવી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જનરલ સ્ક્વોડના પીએસઆઈએ તેમની ટીમને મળેલી બાતમીના આધારે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આગળ પાછળ આર્મીની નંબર પ્લેટ અને આગળના ભાગે લાલ કલરની ક્રાઈમ સર્વેલન્સ એન્ડ ઈન્ટેલીજન્સ કાઉન્સીલ લખેલી પ્લેટ સાથેની અર્ટિગા કાર અટકાવી હતી.તેમાં હાજર યુવાને પોતે કસ્ટમ અધિકારી હોવાનું જણાવી પોલીસ પર રોફ જમાવ્યો હતો.જોકે, ક્રાઈમ બ્રાન્ચ પાસે ચોક્કસ બાતમી હતી અને તેના આધારે કારની જડતી લેતા તેમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સનું તે અધિકારી છે તેવું લખેલું સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સ કમાન્ડો લખેલી આર્મી જેવી વર્દી, એક એરગન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સનો વાહન ચલાવવાનો ઓર્ડર અને બે મોબાઈલ ફોન મળ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી મળેલા યુવાન હિમાંશુકુમાર રમેશભાઈ રાય ( ઉ.વ.28, રહે.ઘર નં.74, રાધે રેસિડન્સી, મૂળદ ગામ, ઓલપાડ, સુરત. મૂળ રહે.રીવીલગંજ, જી.છપરા, બિહાર ) ની અટકાયત કરી તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ જઈ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે નકલી કસ્ટમ અધિકારી બનીને બેકાર યુવાનોને નોકરી અપાવવાના બહાને અને સરકારી કામ કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો.નાનપણમાં આર્મી ઓફિસર બનવા માંગતા હિમાંશુકુમારે દિલ્હીની કોલેજમાં એડમિશન લીધું હતું.પણ બે વર્ષ અભ્યાસ કર્યા બાદ તે વડોદરામાં ડિપ્લોમા એવીએશન ભણ્યો હતો.તેની ઈચ્છા એરપોર્ટ ઉપર નોકરી કરવાંની હતી.પણ યોગ્ય નોકરી નહીં મળતા તે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે ખાનગી નોકરી કરતો હતો.જોકે, તે જે કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તે કંપની બંધ થઈ જતા તેની નોકરી છૂટી ગઈ હતી.

ડ્રાઈવર તરીકેની નોકરી દરમિયાન તેણે કસ્ટમ અધિકારીના ઠાઠને ખુબ નજીકથી જોયો હતો.આથી તેણે નકલી કસ્ટમ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું.તે માટે તેણે દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનવડાવી હતી અને તેના વડે તેણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી ઠગાઈ કરવાની શરૂઆત કરી હતી.ગોવામાં ઠગાઈ કર્યા બાદ તે છેલ્લા દોઢ વર્ષથી સુરતમાં આવ્યો હતો અને અહીં તેણે કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.12.75 લાખની ઠગાઈ કરી હતી.તે પૈકી એક ફરિયાદ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ગતરોજ નોંધાઈ હતી.ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો અઠવાલાઇન્સ પોલીસને સોંપ્યો છે.

નોકરી, સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો 2 - image

રોજ સવારે કાર લઈ સુરત આવતો અને શિકારને ફસાવી રાત્રે ઘરે પરત જતો હતો

છેલ્લા નવ મહિનાથી મૂળદ ગામમાં રહેતા હિમાંશુકુમારે આદિવાસી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે


સુરત, : મૂળ બિહારનો હિમાંશુકુમાર છેલ્લા નવ મહિનાથી ઓલપાડના મૂળદ ગામમાં રહે છે અને તેણે આદિવાસી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે.તે રોજ સવારે તેની આર્મી નંબર પ્લેટવાળી કાર લઈને સુરત આવતો હતો અને શિકારને ફસાવી રાત્રે ઘરે પરત જતો હતો.છતાં આજદિન સુધી તેના પર પોલીસની નજર પડી નહોતી.

નોકરી, સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો 3 - image

રોફ જમાવવા કાર પર આર્મી જેવી નંબર પ્લેટ, આર્મી જેવો યુનિફોર્મ પહેરતો હતો

સુરત, : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે હિમાંશુકુમાર કાર પર આર્મી જેવી નંબર પ્લેટ લગાવી તેમજ આર્મી જેવો યુનિફોર્મ પહેરી લોકોને ધમકાવી રોફ જમાવતો હતો.પોતે કસ્ટમનો અધિકારી છે તેવું કહેતા હિમાંશુકુમારે કામરેજમાં સ્લીપર બસ ભાડે રાખી તેનું ભાડું અને ટેક્ષ રૂ.6.25 લાખ તેના માલિકને ચૂકવ્યા નહોતા.તેમજ કીમમાં એક પેટ્રોલ પંપ ઉપર તેમાં ડીઝલ ભરાવી તેમનું રૂ.3.50 લાખનું પેમેન્ટ કરવાને બદલે તેમને ત્યાં રેઇડ કરાવવાની ધમકી પણ આપી હતી.


Google NewsGoogle News